લાપતા બાળપણની ચોંકાવનારી તસવીર
ભારતમાં બાળકોના ગુમ થવાના કિસ્સાઓ ચિંતાજનક સ્તરે પહોંચી રહ્યા છે. 2024માં દેશભરમાં 98,375 બાળકો ગુમ થયાં, જે 2023ની સરખામણીએ 7.8 ટકા વધુ છે. આ આંકડામાં 75,603 બાળકીઓ અને 22,768 બાળકો સામેલ છે. આ સ્થિતિ માત્ર ગુમ થયેલા બાળકોનો આંકડો નથી, પરંતુ તેમના પરિવારો સામે ઊભા થતા અનિશ્ચિતતા અને સુરક્ષાના ગંભીર સવાલોનું પ્રતિબિંબ છે.
2.75 લાખ બાળકો લાપતા
સરકારી આંકડા અનુસાર જાન્યુઆરી 2018થી જૂન 2023 દરમિયાન દેશભરમાં 2,75,125 બાળકો ગુમ થયાં હતાં. તેમાં 62,237 બાળકો અને 2,12,825 બાળકીઓ હતી. મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને કર્ણાટક જેવા રાજ્યોમાં લાપતા બાળકોની સંખ્યા નોંધપાત્ર રહી છે. ગુજરાતમાં પણ આ સમયગાળા દરમિયાન 20,081 બાળકો ગુમ થયાં, જેમાં બાળકીઓની સંખ્યા બાળકો કરતાં ઘણી વધારે હતી.
2020 બાદ પણ હજારો બાળકો અનટ્રેસ્ડ
ગુમ થયેલા બાળકોમાંથી મોટી સંખ્યામાં બાળકોને શોધી કાઢવામાં આવે છે, પરંતુ કેટલાક કિસ્સાઓ વર્ષો સુધી ઉકેલાતા નથી. ઉપલબ્ધ સરકારી માહિતી મુજબ 2020 બાદ લગભગ 36 હજાર બાળકો હજુ સુધી અનટ્રેસ્ડ હોવાનું સામે આવ્યું હતું. બાળ તસ્કરી, અપહરણ, બાળમજૂરી, ભિક્ષાવૃત્તિ અને અન્ય પ્રકારના શોષણના જોખમને કારણે આવા કિસ્સાઓમાં ઝડપી તપાસ અને રાજ્યો વચ્ચે પોલીસ સંકલન અત્યંત જરૂરી બની જાય છે.
ઓનલાઈન દુનિયામાં પણ તસ્કરોની નજર
બાળ તસ્કરીની પદ્ધતિઓ પણ સમય સાથે બદલાઈ રહી છે. સોશિયલ મીડિયા, ગેમિંગ પ્લેટફોર્મ અને ઓનલાઈન ચેટ દ્વારા સગીરોને મિત્રતા, પ્રેમ, નોકરી, મોડેલિંગ અથવા મોટા શહેરમાં સારી તકની લાલચ આપવામાં આવી શકે છે. એકવાર બાળક ઘરથી દૂર જાય પછી તેને શોષણના વિવિધ સ્વરૂપોમાં ધકેલવાનું જોખમ વધી જાય છે. બાળ સુરક્ષા માટે પોલીસ, પરિવાર, શાળા અને ડિજિટલ પ્લેટફોર્મ વચ્ચે વધુ મજબૂત સંકલનની જરૂરિયાત ઉભી થઈ છે.
કાયદા છે, હવે અસરકારક અમલ જરૂરી
ભારતમાં માનવ તસ્કરી સામે બંધારણીય જોગવાઈઓ ઉપરાંત પોક્સો અધિનિયમ, કિશોર ન્યાય અધિનિયમ અને બાળમજૂરી વિરોધી કાયદા સહિત અનેક કાયદા અમલમાં છે. બાળ સુરક્ષા માટે ટ્રેકિંગ અને ફરિયાદની વ્યવસ્થાઓ પણ કાર્યરત છે. તેમ છતાં ગુમ થતા દરેક બાળકને ઝડપથી શોધવું, તસ્કરીના નેટવર્ક સુધી પહોંચવું અને બચાવાયેલા બાળકોનું પુનર્વસન કરવું સૌથી મોટો પડકાર છે. બાળક ગુમ થવાની દરેક ફરિયાદને ગંભીરતાથી લઈને સમયસર તપાસ થાય તે જ આ સમસ્યા સામેની સૌથી મહત્વની લડત બની શકે છે.

