વિદેશથી આવતાં પહેલાં આ કામ કરવું પડશે

વિદેશ પ્રવાસ કરીને ભારત પરત ફરી રહ્યા છો અથવા વિદેશથી ભારત આવવાનું આયોજન કરી રહ્યા છો? તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. કેન્દ્ર સરકારે આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે 'એર સુવિધા 2.0' (Air Suvidha 2.0) પોર્ટલ પર હેલ્થ સેલ્ફ-ડિક્લેરેશન ફોર્મ ભરવાનું ફરજિયાત બનાવ્યું છે. હવે ભારતીય નાગરિકો હોય કે વિદેશી મુસાફરો, ભારત આવતા તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓએ આ ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. વૈશ્વિક સ્તરે ઇબોલા જેવા સ્વાસ્થ્ય જોખમોને ધ્યાનમાં રાખીને આ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવી છે.

કોના માટે લાગુ પડશે નવો નિયમ?

સરકારની નવી વ્યવસ્થા હેઠળ ભારતીય પાસપોર્ટ ધરાવતા નાગરિકો, ઓવરસીઝ સિટિઝન ઓફ ઇન્ડિયા એટલે કે OCI કાર્ડધારકો અને વિદેશી પાસપોર્ટ ધરાવતા નાગરિકો સહિત તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે આ નિયમ લાગુ પડશે. મુસાફરોએ પોર્ટલ પર પોતાની વ્યક્તિગત વિગતો, પાસપોર્ટની માહિતી, ફ્લાઇટની વિગતો, છેલ્લા 21 દિવસનો પ્રવાસ ઇતિહાસ અને સ્વાસ્થ્ય સંબંધિત જરૂરી માહિતી આપવાની રહેશે. આ માહિતીના આધારે આરોગ્ય અને ઇમિગ્રેશન વિભાગ મુસાફરોનું સ્ક્રીનિંગ કરી શકશે.

ક્યારે અને કેવી રીતે ભરવું પડશે ફોર્મ?

મુસાફરો એર સુવિધા 2.0 પોર્ટલ પર ઓનલાઈન સેલ્ફ-ડિક્લેરેશન ફોર્મ ભરી શકશે. સરકારે મુસાફરોને ભારત પહોંચવાના ઓછામાં ઓછા 24 કલાક પહેલાં આ પ્રક્રિયા પૂર્ણ કરવાની સલાહ આપી છે. શક્ય હોય તો ફ્લાઇટમાં બોર્ડિંગ કરતાં પહેલાં અથવા વેબ ચેક-ઇન દરમિયાન જ ફોર્મ ભરી લેવું. ફોર્મ સબમિટ કર્યા બાદ મળતી ડિજિટલ કોપી ડાઉનલોડ કરીને રાખવી પડશે, જે ભારત પહોંચ્યા બાદ હેલ્થ ડેસ્ક અથવા ઇમિગ્રેશન કાઉન્ટર પર બતાવવાની રહેશે.

ફોર્મ ભરવા માટે એક પણ રૂપિયો નહીં લાગે

આ સમગ્ર પ્રક્રિયા નિઃશુલ્ક છે. એટલે કે એર સુવિધા 2.0 ફોર્મ ભરવા માટે સરકાર કોઈ પ્રોસેસિંગ ફી કે સર્વિસ ચાર્જ વસૂલતી નથી. જોકે, આ પોર્ટલના નામે કેટલીક નકલી વેબસાઈટ્સ મુસાફરોને ફસાવીને પૈસા પડાવવાનો પ્રયાસ કરી રહી છે. આવી વેબસાઈટ્સ પર વ્યક્તિગત વિગતો કે પેમેન્ટની માહિતી આપવાથી સાયબર છેતરપિંડીનો ભોગ બનવાની શક્યતા છે. તેથી મુસાફરોએ માત્ર સરકારના અધિકૃત પોર્ટલનો જ ઉપયોગ કરવો.