આવાસ યોજનાના મકાનોમાં AMCની મેગા ચેકિંગ

અમદાવાદમાં આર્થિક રીતે નબળા અને મધ્યમ વર્ગના પરિવારો માટે ફાળવાયેલા EWS અને મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનોની હવે મોટા પાયે તપાસ કરવામાં આવશે. ફાળવાયેલું મકાન ખરેખર લાભાર્થી પોતે જ ઉપયોગમાં લે છે કે પછી અન્ય વ્યક્તિને ભાડે કે વેચાણ કરી દેવામાં આવ્યું છે, તેની ચકાસણી AMC દ્વારા કરવામાં આવશે.

એક જ યોજનામાં તમામ ઝોનની ટીમો પહોંચશે

હાલ અલગ-અલગ ઝોનની ટીમો દ્વારા થતી તપાસમાં ઘણા મકાનો બંધ મળતા હોવાથી વાસ્તવિક લાભાર્થી રહે છે કે નહીં તે ચકાસવામાં મુશ્કેલી પડતી હતી. હવે એક જ આવાસ યોજનામાં તમામ ઝોનની એસ્ટેટ વિભાગની ટીમોને એકસાથે મોકલીને મેગા ચેકિંગ કરવાની સૂચના આપવામાં આવી છે. આ કામગીરી આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરની આગેવાનીમાં હાથ ધરાશે.

SRP સાથે પોલીસનો પણ બંદોબસ્ત

ચેકિંગ દરમિયાન SRPની ટીમને સાથે રાખવામાં આવશે અને જરૂર જણાય તો સ્થાનિક પોલીસની મદદ પણ લેવામાં આવશે. આ ઉપરાંત સમગ્ર તપાસની વીડિયોગ્રાફી પણ કરવામાં આવશે, જેથી સ્થળ પરની સ્થિતિનો રેકોર્ડ જળવાઈ રહે અને ગેરરીતિ સામે કાર્યવાહી કરી શકાય.

ભાડે આપ્યું હશે તો નોટિસ, વેચ્યું હશે તો કાર્યવાહી

તપાસ દરમિયાન જો ફાળવાયેલું મકાન લાભાર્થી પોતે ઉપયોગમાં લેતો ન હોવાનું અથવા અન્ય વ્યક્તિને ભાડે આપ્યું હોવાનું સામે આવશે તો સંબંધિત માલિકને નોટિસ આપવામાં આવશે. મકાનનું વેચાણ કરી દેવાયું હોવાની બાબત સામે આવશે તો પણ નિયમ મુજબ કાર્યવાહી થશે. ગંભીર કિસ્સામાં મકાન સીલ કરવાની કાર્યવાહી સુધી કરવામાં આવી શકે છે.

અરજદારોની કેટેગરીમાં પણ નવી વ્યવસ્થા

AMC દ્વારા આવાસની ફાળવણી પ્રક્રિયામાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યો છે. EWS અને LIG મકાનો માટેની અરજીમાં જાતિની કેટેગરી ખોટી પસંદ થવાથી ફોર્મ બહાર થઈ જતા હોવાની સમસ્યા દૂર કરવા હવે અરજદારોને SMS અને WhatsApp દ્વારા કેટેગરીની માહિતી આપવામાં આવશે. ભૂલ જણાય તો મેસેજ મળ્યાના 10 દિવસમાં હાઉસિંગ એન્ડ એસ્ટેટ સેલમાં અરજી કરીને સુધારો કરાવી શકાશે. હાલમાં આશરે 7,825 મકાનો માટે 97,102 અરજીઓ મળી હોવાનું જણાવાયું છે.