અમરેલીમાં મિલીપેડનો આતંક

અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને ખાંભા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મિલીપેડ એટલે કે ‘કાંઉસી ઈયળ’નો અસહ્ય ઉપદ્રવ જોવા મળી રહ્યો છે. મિતિયાળા, કૃષ્ણગઢ, સાકરપરા અને નાનુડી ભાડ સહિતના ગામોમાં મોટી સંખ્યામાં મિલીપેડ જોવા મળતાં ગ્રામજનોનું સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. ખેતર અને ખુલ્લી જમીન સુધી સીમિત રહેનારા આ જીવડાં હવે ઘરની દીવાલો, છત, નળિયા અને ઘરવખરી સુધી પહોંચી ગયા છે.

ઘરમાં પગ મૂકતાં પહેલાં જમીન જોવી પડે

સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા ચાર વર્ષથી આ સમસ્યા સતત વકરી રહી છે, પરંતુ હાલ મિલીપેડની સંખ્યા ખૂબ વધી જતા લોકોની મુશ્કેલી વધી છે. ઘરમાં પ્રવેશતા પહેલાં જમીન તપાસવી પડે છે અને બેસવા કે જમવા પહેલાં જગ્યા સાફ કરવી પડે છે. કેટલીક જગ્યાએ લોકો મિલીપેડથી બચવા માટે ખાટલા પર બેસીને જમવા મજબૂર બન્યા છે.

દીવાલો અને છત પર જીવડાંની ફોજ

મિલીપેડ માત્ર જમીન પર જ નહીં, પરંતુ ઘરની દીવાલો અને છત પર પણ મોટી સંખ્યામાં સરકતા જોવા મળી રહ્યા છે. ખાદ્યસામગ્રી, અનાજ અને ઘરવખરીને પણ જમીનથી ઊંચાઈ પર રાખવાની ફરજ પડી રહી છે. ખાસ કરીને બાળકો અને વૃદ્ધોમાં આ સ્થિતિને લઈને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

ખનનને લઈને ગ્રામજનોમાં રોષ

મિલીપેડના ઉપદ્રવનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ નથી. જોકે સ્થાનિક ગ્રામજનો વિસ્તારમાં થઈ રહેલા ડુંગરોના ખોદકામ, માટી-પથ્થરના ખનન અને જેસીબીના વધતા ઉપયોગ સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ગ્રામજનોનું માનવું છે કે ડુંગરાળ વિસ્તારોમાં કુદરતી રહેઠાણમાં ફેરફાર થતાં જીવજંતુઓ માનવ વસાહતો તરફ આવી રહ્યા હોઈ શકે છે.

વૈજ્ઞાનિક તપાસ જરૂરી

જોકે ખનનને જ મિલીપેડના ઉપદ્રવનું સીધું કારણ ગણવું હાલ યોગ્ય નથી. આ માટે વનવિભાગ, કૃષિ વિભાગ અને કીટવિજ્ઞાન નિષ્ણાતોની સંયુક્ત તપાસ જરૂરી છે. મિલીપેડની સંખ્યા અચાનક કેમ વધી, તેનું કુદરતી કારણ શું છે અને માનવ વસાહતોમાં તેનો પ્રવેશ રોકવા શું પગલાં લઈ શકાય તે અંગે વૈજ્ઞાનિક અભ્યાસ જરૂરી બન્યો છે.