સબસિડીના ટ્રેક્ટર માટે ખેડૂતોને ધક્કા!
અમરેલીના સાવરકુંડલા ખેતીવાડી વિભાગની કામગીરી સામે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. સરકારની સબસિડી યોજના હેઠળ ટ્રેક્ટર મેળવનારા 180થી વધુ ખેડૂતોને પોતાના ટ્રેક્ટર સાથે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં વેરિફિકેશન માટે બોલાવવામાં આવતા દૂરના ગામડાંમાંથી આવેલા ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હોવાનો આક્ષેપ છે.
ખેતરે થવાનું વેરિફિકેશન યાર્ડમાં કેમ?
ખેડૂતોના જણાવ્યા મુજબ ટ્રેક્ટરનું સ્થળ વેરિફિકેશન કરવા માટે ખેતીવાડી વિભાગના અધિકારીઓ અને સ્ટાફે ખેડૂતોના ખેતર કે વાડીએ જઈને નિરીક્ષણ કરવાનું હોય છે. પરંતુ સાવરકુંડલા વિભાગે તમામ ખેડૂતોને એક જ સ્થળે બોલાવી દીધા હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે. પરિણામે ખેડૂતોને પોતાના ટ્રેક્ટર લઈને યાર્ડ સુધી આવવાની ફરજ પડી.
ડીઝલ અને સમયનો વધારાનો ખર્ચ
હાલ ખેતીની સિઝન ચાલી રહી છે ત્યારે દૂરના ગામડાંમાંથી ટ્રેક્ટર લઈને સાવરકુંડલા આવવાથી ખેડૂતોનો સમય અને ડીઝલ બંનેનો ખર્ચ વધ્યો હોવાનો રોષ છે. ખેડૂતોનું કહેવું છે કે સરકાર ખેડૂતોને સહાય આપવા યોજના ચલાવે છે, પરંતુ સ્થાનિક તંત્રની કામગીરીને કારણે આ જ ખેડૂતોને વેરિફિકેશન માટે ધક્કા ખાવા પડે તે યોગ્ય નથી.
સરકારની યોજના સામે નહીં, તંત્રની કામગીરી સામે રોષ
યાર્ડમાં એકઠા થયેલા ખેડૂતોએ સરકારની ટ્રેક્ટર સબસિડી યોજનાને આવકારી હતી. જોકે સ્થાનિક ખેતીવાડી વિભાગની કામગીરી સામે તેમણે નારાજગી વ્યક્ત કરી હતી. ખેડૂતોનો સવાલ છે કે જો વેરિફિકેશનની પ્રક્રિયા સ્થળ પર જ થઈ શકે છે તો તમામ ખેડૂતોને એકસાથે યાર્ડમાં બોલાવવાની જરૂર શા માટે પડી?
‘સ્ટાફની અછત છે’ તંત્રનો જવાબ
સમગ્ર મામલે ખેતીવાડી વિભાગના અધિકારીઓનો સંપર્ક કરવામાં આવતા સ્ટાફની અછત હોવાનું કારણ આપવામાં આવ્યું હતું. અધિકારીઓના જણાવ્યા મુજબ પૂરતો સ્ટાફ ઉપલબ્ધ ન હોવાથી ગામેગામ જઈને વેરિફિકેશન કરવું શક્ય ન હોવાથી ખેડૂતોને એક જ સ્થળે બોલાવવામાં આવ્યા હતા.
હવે સવાલ એ છે કે સ્ટાફની અછતનું ભારણ ખેડૂતો પર નાખવું કેટલું યોગ્ય? સરકારની ખેડૂતલક્ષી યોજનાનો લાભ સરળતાથી મળે અને ખેડૂતોને બિનજરૂરી ધક્કા ન ખાવા પડે તે માટે તંત્ર શું પગલાં લે છે તેના પર નજર રહેશે.

