શિક્ષણ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય
અમદાવાદમાં ભારે વરસાદને કારણે વિદ્યાર્થીઓના અભ્યાસમાં પડેલા વિક્ષેપને ધ્યાનમાં રાખીને ગુજરાતના શિક્ષણ વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે શહેરની શાળાઓને ચાલુ મહિનાના રવિવારે સ્વૈચ્છિક રીતે વધારાના વર્ગો ચલાવવાની મંજૂરી આપવામાં આવી છે. તેનો હેતુ અધૂરો રહેલો અભ્યાસક્રમ સમયસર પૂર્ણ કરવાનો છે.
શાળાઓ પોતાની સંમતિથી વર્ગો ચલાવી શકશે
જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તમામ શાળાઓને પરિપત્ર મોકલવામાં આવ્યો છે. પરિપત્ર મુજબ, શાળાઓ પોતાની સંમતિથી રવિવારે વધારાના વર્ગોનું આયોજન કરી શકશે. આ વર્ગોમાં હાજરી સંપૂર્ણપણે સ્વૈચ્છિક રહેશે અને શાળાઓએ વાલીઓ તેમજ વિદ્યાર્થીઓને અગાઉથી જાણ કરવાની રહેશે.
સલામતીની જવાબદારી શાળાઓની
શિક્ષણ વિભાગે સ્પષ્ટ કર્યું છે કે વિદ્યાર્થીઓની સલામતી, જરૂરી સુવિધાઓ અને વ્યવસ્થાની સંપૂર્ણ જવાબદારી સંબંધિત શાળાની રહેશે. વરસાદને કારણે ગુમાયેલા અભ્યાસ સમયની ભરપાઈ માટે આ વ્યવસ્થા અમલમાં લાવવામાં આવી છે.
જાહેર રજાનો નિયમ યથાવત
શિક્ષણ વિભાગે સ્પષ્ટતા કરી છે કે જાહેર રજાના દિવસે શાળાઓ ચાલુ રાખવાનો નિયમ યથાવત રહેશે. માત્ર રવિવારે જ શાળાઓ પોતાની સંમતિથી વધારાના સ્વૈચ્છિક વર્ગો યોજી શકશે, જેથી વિદ્યાર્થીઓનું શૈક્ષણિક નુકસાન ઓછું કરી શકાય.

