ગજરાજ, ટ્ર્ક મોસાળ સરસપુર પહોંચ્યા
અમદાવાદના જમાલપુરથી નીકળેલી ભગવાન જગન્નાથની 149મી રથયાત્રામાં સામેલ, ગજરાજ અને ટ્ર્ક ભગવાનના મોસાળ ગણાતા સરસપુર ખાતે પહોચ્યાં છે.
રથયાત્રામાં સામેલ અખાડામાં દર્શાવાઈ રહ્યાં છે શરીર સૌષ્ઠવના અવનવા કરતબ
અમદાવાદમાં આજે 16મી જુલાઈને અષાઢી બીજના દિવસે નીકળેલી ભગવાન જગન્નાથની 149મી રથયાત્રામાં સામેલ અખાડાઓ, ખમાસા વિસ્તારમાંથી પસાર થઈ રહ્યાં છે. અખાડામાં સામેલ યુવાનો શરીર સૌષ્ઠવના અવનવા કરતબ દર્શાવી રહ્યાં છે.
રથયાત્રામાં સામેલ ભજન મંડળીમાં વિવિધ થીમ જોવા મળી
ભગવાન જગન્નાથની રથયાત્રામાં સામેલ ભજન મંડળીમાં વિવિધ થીમ જોવા મળી છે. ઢોલ નગારા સાથે ભજન મંડળી ભગવાનના રથ સાથે જોવા મળી. ભજન મંડળીમાં પણ જોવા મળી અલગ અલગ થીમ. પરશુરામ અને ભગવાન જગન્નાથ ટેટૂ શરીર પર ચિત્રાવ્યું. ભજન મંડળીમાં એક મહિલાએ મધ્યપ્રદેશ જબલપુર ક્રૂઝ દુઘર્ટના મૃત્યુ પામેલી માતા દીકરાની એક ફોટો વાળી ટી શર્ટ પહેરી છે. પેટ્રોલ ડીઝલની અછત સમયનો ટેટૂ વાળો ફોટો શરીર પર દોરવાયો.
ભગવાનના દર્શન માટે ઉમટી પડી ભક્તોની ભીડ
અમદાવાદના જમાલપુર સ્થિત ઐતિહાસિક જગન્નાથ મંદિરેથી આજે અષાઢી બીજના પાવન અવસરે 149મી જગન્નાથ રથયાત્રાનો ભવ્ય પ્રારંભ થયો છે. વહેલી સવારથી જ હજારો ભાવિકો મંદિર પરિસર અને સમગ્ર રથયાત્રા માર્ગ પર ઉમટી પડ્યા હતા. 'જય રણછોડ, માખણ ચોર' અને 'જય જગન્નાથ'ના ગગનભેદી જયઘોષ વચ્ચે ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ ભક્તોને દર્શન આપવા નગરચર્યાએ નીકળ્યા.
પહિંદ વિધિ બાદ મુખ્ય પ્રધાને કરાવ્યું રથનું પ્રસ્થાન
વહેલી સવારે મંગળા આરતી બાદ મહંત દિલીપદાસજી મહારાજના હસ્તે ભગવાન જગન્નાથ, સુભદ્રા અને બલરામને તેમના રથોમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પરંપરાગત પહિંદ વિધિ સંપન્ન કરી હતી. વિધિ પૂર્ણ થયા બાદ બંને આગેવાનોએ રથ ખેંચીને 149મી રથયાત્રાનું સત્તાવાર પ્રસ્થાન કરાવ્યું.
ભગવાનને ખીચડાનો પ્રસાદ, લાખો ભાવિકો માટે ખાસ વ્યવસ્થા
રથયાત્રા પૂર્વે ભગવાનને પરંપરા મુજબ ખીચડાનો પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો. મંદિર દ્વારા અંદાજે 1 લાખથી વધુ ભાવિકો માટે પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો છે. પરંપરા અનુસાર ડ્રાયફ્રૂટ અને ગવારફળી સાથે વિશેષ રીતે તૈયાર કરાયેલા ખીચડાનો ભોગ ભગવાનને ધરાવવામાં આવ્યો હતો, જે બાદ ભાવિકોમાં તેનું વિતરણ કરવામાં આવશે.
વડાપ્રધાન મોદી તરફથી મોકલાયેલા પ્રસાદનો પણ સમાવેશ
રથયાત્રા પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મોકલાયેલા પ્રસાદનો પણ ભગવાનને ભોગ ધરાવવામાં આવ્યો હતો. તેમાં જાંબુ, દાડમ, કાકડી, કેરી અને ડ્રાયફ્રૂટ સહિતની વિવિધ પ્રસાદી સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ વડાપ્રધાન તરફથી રથયાત્રા પૂર્વે પ્રસાદ મોકલવાની પરંપરા જાળવવામાં આવી છે.
ભક્તિમય માહોલમાં શરૂ થઈ ઐતિહાસિક રથયાત્રા
વહેલી સવારથી જ મંદિર પરિસર અને સમગ્ર રથયાત્રા માર્ગ પર ભારે પોલીસ બંદોબસ્ત અને સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ભાવિકોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. ભક્તિના રંગમાં રંગાયેલા હજારો શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન માટે આતુર બન્યા હતા. અમદાવાદની 149મી જગન્નાથ રથયાત્રા ભવ્ય અને આધ્યાત્મિક વાતાવરણ વચ્ચે ઐતિહાસિક રીતે પ્રસ્થાન કરી છે.

