આનંદનગર કેસ બાદ પોલીસ એક્શનમાં
આનંદનગર વિસ્તારમાં યુવતી સાથે સિક્યુરિટી ગાર્ડ દ્વારા થયેલા દુષ્કર્મના કેસ બાદ અમદાવાદમાં સિક્યુરિટી એજન્સીઓ સામે પોલીસની કડક કાર્યવાહી શરૂ થઈ છે. રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ અમદાવાદ SOG દ્વારા શહેરની વિવિધ સિક્યુરિટી એજન્સીઓની નોંધણી, ઓફિસ, લાયસન્સ અને સિક્યુરિટી ગાર્ડ સંબંધિત વિગતોની ચકાસણી કરવામાં આવી રહી છે. તાજી તપાસમાં કેટલીક એજન્સીઓના સરનામાં શંકાસ્પદ હોવાનું અને કેટલીક ઓફિસો બંધ હોવાનું સામે આવ્યું છે.
રજિસ્ટર્ડ સરનામે ઓફિસ જ નહીં!
પોલીસ ટીમો સિક્યુરિટી એજન્સીઓના રજિસ્ટર્ડ સરનામા પર રૂબરૂ જઈને તપાસ કરી રહી છે. આ દરમિયાન કેટલીક જગ્યાએ ઓફિસના બદલે રહેણાંક મકાન મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ કેટલીક એજન્સીઓની ઓફિસો લાંબા સમયથી બંધ અને તાળાબંધ હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે. આવી સ્થિતિ સિક્યુરિટી એજન્સીઓની કામગીરી અને દસ્તાવેજોની વિશ્વસનીયતા અંગે સવાલો ઊભા કરે છે.
નારોલમાં સિક્રોન એજન્સીનો કિસ્સો
તપાસ દરમિયાન નારોલની સિક્રોન સિક્યુરિટી એજન્સીનું ઉદાહરણ સામે આવ્યું છે. તેના રજિસ્ટર્ડ સરનામા તરીકે “502 પ્રતિભા પ્લસ, નારોલ ગામ ક્રોસ રોડ” દર્શાવવામાં આવ્યું હતું. જોકે, સ્થળ પર તપાસ દરમિયાન ઓફિસ છેલ્લા બે વર્ષથી બંધ હોવાનું અને AMC દ્વારા ટેક્સ બાકી હોવાના કારણે મિલકત સીલ કરવામાં આવી હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે.
લાયસન્સથી ગાર્ડના PF સુધી તપાસ
અમદાવાદ SOG દ્વારા આવી એજન્સીઓ અંગે વિસ્તૃત રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. ખોટું સરનામું, બંધ ઓફિસ, દસ્તાવેજોની ખામી અથવા લાયસન્સ સંબંધિત ગેરરીતિ જણાશે તો સંચાલકોને બોલાવી પૂછપરછ કરવામાં આવી શકે છે અને નિયમ મુજબ કડક કાર્યવાહી થઈ શકે છે. આ ઉપરાંત સિક્યુરિટી ગાર્ડ્સની સંખ્યા, PF સહિતની વિગતોની પણ તપાસ કરવામાં આવી રહી છે.
સુરક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા લાવવાનો પ્રયાસ
પોલીસની આ કાર્યવાહીનો મુખ્ય હેતુ સિક્યુરિટી એજન્સીઓની કામગીરીમાં પારદર્શિતા લાવવાનો અને સુરક્ષા સેવાઓની ગુણવત્તા સુનિશ્ચિત કરવાનો છે. ખાસ કરીને લોકો, રહેણાંક સોસાયટીઓ, ઓફિસો અને વિવિધ સંસ્થાઓમાં સિક્યુરિટી ગાર્ડ પૂરા પાડતી એજન્સીઓ વાસ્તવમાં કાયદેસર અને નિયમો મુજબ કાર્ય કરે છે કે નહીં, તેની ચકાસણી હવે મહત્વની બની છે.

