અમદાવાદમાં ભારે વાહનો બન્યા યમદૂત
અમદાવાદના રસ્તાઓ પર ડમ્પર અને અન્ય ભારે વાહનોનો કહેર ચિંતાજનક રીતે સામે આવ્યો છે. વર્ષ 2021થી 2026 દરમિયાન ડમ્પર, મિક્સર અને આઇસર સહિતના ભારે વાહનો સાથે સંકળાયેલા અકસ્માતોમાં કુલ 270 લોકોનાં મોત થયા હોવાના આંકડા સામે આવ્યા છે. આ દરમિયાન થલતેજ ચાર રસ્તા પાસે 12 વર્ષની આરાધ્યા બારોટને કચડનાર ડમ્પર ચાલક પાસે લાઇસન્સ ન હોવાનું સામે આવતા ભારે વાહનોની વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.
થલતેજમાં 12 વર્ષની બાળકીનું મોત
થલતેજ ચાર રસ્તા પાસે બપોરના સમયે માતા પોતાના બે બાળકોને એક્ટિવા પર સ્કૂલેથી ઘરે લઈ જઈ રહી હતી. ત્યારે GJ 24 X 5130 નંબરના ડમ્પરે એક્ટિવાને ટક્કર મારી હતી. અકસ્માતમાં 12 વર્ષની આરાધ્યા બારોટનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે તેની માતા અને ભાઈને ઈજા થઈ હતી. અકસ્માત બાદ ફરાર થયેલા ડ્રાઇવર મુબારિક મેઉને પોલીસે પીછો કરીને ઝડપી લીધો હતો. તપાસમાં ડ્રાઇવર પાસે લાઇસન્સ ન હોવાનું અને ડમ્પર પરમિટ વગર ચાલતું હોવાનો ખુલાસો થયો છે.
એક જ ડમ્પરે અગાઉ પણ લીધો હતો ભોગ
તપાસમાં વધુ ચોંકાવનારી બાબત સામે આવી છે. આ જ ડમ્પર અગાઉ એપ્રિલ મહિનામાં ગોતા ફ્લાયઓવર પાસે અકસ્માતમાં સંડોવાયું હતું, જેમાં રેપિડો ચાલક નરપત ડાફી અને મુસાફર સુશીલ કુમાર પ્રસાદનાં મોત થયાં હતાં. અગાઉના કેસમાં પણ ડમ્પર ચાલક વિમલ ડોડીયા પાસે લાઇસન્સ ન હોવાનું સામે આવ્યું હતું. એટલે એક જ ડમ્પર સાથે વારંવાર ગંભીર અકસ્માતોની ઘટના બનવા છતાં ભારે વાહનોની દેખરેખ સામે સવાલો ઉઠી રહ્યા છે.
ડમ્પર માલિક સામે પણ ગુનો
પોલીસે ડમ્પરના માલિક કેયુર બારોટ વિરુદ્ધ પણ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અગાઉના અકસ્માતના કેસમાં પણ કેયુર બારોટ સામે કાર્યવાહી થઈ હતી. પોલીસ તપાસ મુજબ કેયુર બારોટ બનાસકાંઠાના એક ગામના સરપંચ છે અને તેમની પાસે 12 ડમ્પર હોવાનું સામે આવ્યું છે. હવે પોલીસ માલિકની જવાબદારી અને વાહનોના સંચાલન અંગે પણ તપાસ કરી રહી છે.
પાંચ વર્ષના આંકડા ચોંકાવનારા
વર્ષ 2021થી 2026 દરમિયાન અમદાવાદમાં ડમ્પર સંબંધિત 241 અકસ્માતોમાં 131 લોકોનાં મોત થયા છે. આઇસર સાથે સંકળાયેલા 212 અકસ્માતોમાં 106 લોકોનાં મોત થયા, જ્યારે મિક્સર સાથેના 68 અકસ્માતોમાં 33 લોકોનાં મોત થયાં. ત્રણેય પ્રકારના ભારે વાહનોને જોડીએ તો મૃત્યુઆંક 270 થાય છે.
અન્ય વાહનોના અકસ્માતોના આંકડા
આ જ સમયગાળામાં BRTS સાથેના 84 અકસ્માતોમાં 37 મોત, AMTSના 185 અકસ્માતોમાં 62 મોત અને GSRTCના 93 અકસ્માતોમાં 39 મોત થયા છે. ફોર-વ્હીલર સાથેના 2,909 અકસ્માતોમાં 561 લોકોનાં મોત થયા, જ્યારે દ્વિચક્રી વાહનો સાથેના 2,236 અકસ્માતોમાં 665 લોકોનાં મોત થયાં છે.
તંત્ર સામે ગંભીર સવાલો
લાઇસન્સ વગર ભારે વાહન ચલાવનાર વ્યક્તિને ડમ્પરનું સ્ટિયરિંગ કેવી રીતે સોંપવામાં આવ્યું? એક જ વાહન વારંવાર ગંભીર અકસ્માતોમાં સંડોવાય તો તેના સંચાલન અને માલિક સામે સમયસર કડક કાર્યવાહી કેમ ન થઈ? અમદાવાદમાં બેફામ દોડતા ભારે વાહનો પર નિયંત્રણ માટે ટ્રાફિક પોલીસ અને સંબંધિત તંત્રની કાર્યવાહી કેટલી અસરકારક છે, તેવા સવાલો હવે ઉઠી રહ્યા છે. શહેરના રસ્તાઓ પર નિર્દોષ લોકોની સુરક્ષા માટે ભારે વાહનોની ચકાસણી અને ડ્રાઇવરોના લાઇસન્સ-પરમિટની તપાસ વધુ કડક બનાવવાની જરૂરિયાત સામે આવી છે.

