પાલડીમાં બંધ મકાનને નિશાન
અમદાવાદના પાલડી વિસ્તારમાં બંધ મકાનને નિશાન બનાવીને બે તસ્કરોએ રૂ.22.88 લાખનો મુદ્દામાલ ચોરી કર્યો હોવાની ઘટના સામે આવી છે. ચોરોએ મકાનમાં ઘૂસીને સોના-ચાંદીના દાગીના, રોકડ સહિત કિંમતી વસ્તુઓની ચોરી કરી હતી. ચોરી બાદ બંને તસ્કરોની બેફિકર હરકત પણ સામે આવી છે. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પોલીસના હાથ લાગ્યા છે.
એક મહિનાથી બંધ હતું મકાન
આ ઘટના પાલડીના નવા શારદા મંદિર રોડ પર આવેલી પાર્શ્વનગર સોસાયટીના મકાન નંબર-1માં બની હતી. 69 વર્ષીય વેપારી હિતેષકુમાર જયંતીલાલ શાહ છેલ્લા એક મહિનાથી પત્ની સાથે મકાનની સામે આવેલા ફ્લેટમાં રહેતા હતા. 25 ઓગસ્ટની સવારે તેઓ પક્ષીઓને ચણ નાખવા માટે પોતાના ઘરે પહોંચ્યા ત્યારે મકાનનો દરવાજો ખોલતા અંદરનો સામાન વેરવિખેર જોવા મળ્યો હતો.
22.88 લાખનો મુદ્દામાલ ઉઠાવી ગયા
તપાસમાં સામે આવ્યું કે તસ્કરોએ લોખંડની ગ્રિલના તાળાનો નકુચો તોડીને એલ્યુમિનિયમની બારી મારફતે ઘરમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ અલગ-અલગ રૂમમાં રહેલા લાકડાના કબાટના તાળા તોડી 118.48 ગ્રામ સોનાના દાગીના, સોનાનો ઢોળ ચડાવેલી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ, 3 કિલો ચાંદીના વાસણો અને સિક્કા, રૂ.4 લાખ રોકડા, 20 બ્રાન્ડેડ ઘડિયાળો અને 100 કીચેઇન સહિત કુલ રૂ.22,88,500નો મુદ્દામાલ ચોરી કર્યો હતો.
ચોરી બાદ ટેબલ પર બેસી સિગારેટ પીધી!
ચોરીની ઘટનામાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે બંને તસ્કરો મકાનમાં ચોરી કર્યા બાદ પણ ઉતાવળમાં ભાગ્યા નહોતા. ટેબલ પર બેસીને સિગારેટ પીતા હોવાની તેમની હરકત CCTVમાં કેદ થઈ છે. પોલીસને મળેલા CCTV ફૂટેજના આધારે બંને આરોપીઓની ઓળખ અને ધરપકડ માટે તપાસ શરૂ કરવામાં આવી છે.
પોલીસે તપાસ તેજ કરી
મકાન માલિકની ફરિયાદના આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધીને CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. બે અજાણ્યા શખ્સોએ મળીને ચોરીને અંજામ આપ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હવે પોલીસ બંને તસ્કરો સુધી પહોંચવા માટે CCTV ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે તપાસ આગળ ધપાવી રહી છે.

