અમદાવાદ NIA કોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય
અમદાવાદની વિશેષ NIA કોર્ટે વર્ષ 2019ના ચર્ચિત હેરોઈન સ્મગલિંગ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે છ પાકિસ્તાની નાગરિકોને ભારતીય દરિયાઈ સીમામાં ગેરકાયદે પ્રવેશ કરવા બદલ આઠ વર્ષની સખત કેદ અને પ્રતિ વ્યક્તિ ₹52 હજારનો દંડ ફટકાર્યો છે. જોકે હેરોઈન સ્મગલિંગ, આતંકવાદી ષડયંત્ર અને અન્ય ગંભીર આરોપોમાં તમામ આરોપીઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.
શું હતો સમગ્ર કેસ?
21 મે, 2019ના રોજ DRIને બાતમી મળી હતી કે પાકિસ્તાની બોટ 'અલ-મદીના' કચ્છના જખૌ નજીક ભારતીય દરિયાઈ સીમામાં હેરોઈનની મોટી ખેપ પહોંચાડવા આવી રહી છે. ત્યારબાદ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે કાર્યવાહી હાથ ધરી હતી. તપાસ દરમિયાન દરિયામાંથી સાત કોથળાઓમાંથી 217.85 કિલોગ્રામ હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હોવાનું તપાસ એજન્સીઓએ જણાવ્યું હતું.
કોર્ટમાં કેમ ન ટક્યા ગંભીર આરોપો?
વિશેષ NIA કોર્ટે સુનાવણી દરમિયાન નોંધ્યું કે NDPS એક્ટ હેઠળ ફરજિયાત કાનૂની પ્રક્રિયાનું સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું નહોતું. ગુપ્ત બાતમીને સમયસર લેખિતમાં નોંધવામાં આવી નહોતી તેમજ વરિષ્ઠ અધિકારીઓને નિયમ મુજબ મોકલવામાં પણ ખામી રહી હતી. ઉપરાંત જપ્તીની કાર્યવાહી દરમિયાન વિડિયોગ્રાફી અને સ્વતંત્ર પંચોની હાજરી ન હોવાથી પુરાવાની વિશ્વસનીયતા અંગે પ્રશ્નો ઊભા થયા હતા.
ભારતીય આરોપી પણ નિર્દોષ જાહેર
આ કેસમાં ભારતીય બોટના ટંડેલ રમઝાન પલાણી સામે પણ હેરોઈન સ્મગલિંગ અથવા આતંકવાદી ષડયંત્રમાં સંડોવણીના કોઈ મજબૂત પુરાવા રજૂ થઈ શક્યા નહોતા. તેની બોટમાંથી કોઈ નશીલો પદાર્થ કે શંકાસ્પદ સામગ્રી મળી ન આવતા કોર્ટએ તેને પણ તમામ ગંભીર આરોપોમાંથી નિર્દોષ જાહેર કર્યો હતો.
માત્ર ગેરકાયદે પ્રવેશનો ગુનો સાબિત
કોર્ટના નિર્ણય મુજબ છ પાકિસ્તાની નાગરિકો પાસપોર્ટ, વિઝા અથવા અન્ય માન્ય દસ્તાવેજો વિના ભારતીય દરિયાઈ સીમામાં પ્રવેશ્યા હતા, જે ગુનો પુરાવાથી સાબિત થયો હતો. તેથી કોર્ટે તેમને આઠ વર્ષની સખત કેદ અને પ્રતિ વ્યક્તિ ₹52 હજારનો દંડ ફટકાર્યો છે, જ્યારે NDPS એક્ટ, UAPA અને IPC હેઠળના તમામ ગંભીર આરોપોમાં તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.

