વિકસિત ગુજરાતનો પાયો ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિ: CM ભૂપેન્દ્ર પટેલ
80મા સ્વતંત્રતા પર્વ પૂર્વે મુખ્યમંત્રીનો ગુજરાતની જનતાને સંદેશ
અમદાવાદ: દેશભરમાં 80મા સ્વતંત્રતા પર્વની ઉજવણીની તૈયારીઓ વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની જનતાને વિકાસલક્ષી સંદેશ આપ્યો છે. મુખ્યમંત્રીએ આઝાદીના લડવૈયાઓ અને દેશ માટે બલિદાન આપનાર વીર સપૂતોને નમન કરતા ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત 2047’ના સંકલ્પ સાથે આગળ વધવા હાકલ કરી છે.
ગરીબ અને વંચિતો વિકાસના કેન્દ્રમાં
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા સેચ્યુરેશન એપ્રોચ અપનાવવામાં આવી રહ્યો છે. PM-JAY, આયુષ્યમાન ભારત, પ્રધાનમંત્રી આવાસ યોજના અને વનબંધુ કલ્યાણ યોજના જેવી પહેલો દ્વારા ગરીબ, વંચિત અને આદિજાતિ પરિવારોના વિકાસ પર ભાર મૂકવામાં આવી રહ્યો છે.
યુવાનોને ‘જોબ ગિવર’ બનાવવાનો સંકલ્પ
ગુજરાતના વિકાસમાં યુવા શક્તિને મહત્વનું સ્થાન આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે યુવાનોને માત્ર નોકરી શોધનારા નહીં પરંતુ રોજગારી સર્જનારા ‘જોબ ગિવર’ બનાવવા માટે વિવિધ નીતિઓ અમલમાં મૂકાઈ રહી છે. સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલિસી ઉપરાંત ડેટા, AI, ઈનોવેશન અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન જેવા ક્ષેત્રોને પણ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.
અન્નદાતા ખેડૂતોની પડખે સરકાર
ખેડૂતો માટે ટેકાના ભાવે ખરીદી, કિસાન સન્માન નિધિ, દિવસે વીજળી અને સિંચાઈ માટે પાણી જેવી સુવિધાઓનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે સરકાર બીજથી બજાર સુધી ખેડૂતોની સાથે છે. કુદરતી આફતોના સમયે ખેડૂતોને સહાય મળી રહે તે માટે ઉદાર સહાય પેકેજનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો.
નારી શક્તિને સ્વાવલંબન તરફ વેગ
મુખ્યમંત્રીએ નારી શક્તિને વિકાસનો મહત્વપૂર્ણ આધાર ગણાવી છે. તેમના સંદેશ મુજબ મહિલાઓની આર્થિક અને રોજગાર ક્ષેત્રે ભાગીદારી વધારવા માટે વિવિધ આયોજન કરવામાં આવી રહ્યા છે. 5 લાખથી વધુ બહેનો લખપતિ દીદી બની પરિવારને આર્થિક આધાર આપી રહી છે, જ્યારે 2047 સુધીમાં રોજગારી સર્જનમાં મહિલાઓની ભાગીદારી વધારવાનો લક્ષ્યાંક વ્યક્ત કરવામાં આવ્યો છે.
ટેકનોલોજી અને ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાતની આગેકૂચ
ટેકનોલોજી અને ઇમર્જિંગ સેક્ટરમાં ગુજરાત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું. સેમિકન્ડક્ટર, ડેટા સેન્ટર, શિપ બિલ્ડિંગ અને અન્ય નવા ક્ષેત્રો માટેની નીતિઓથી રાજ્યમાં નવા ઉદ્યોગો અને રોજગારીની તકો ઊભી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
સ્થાનિકથી વૈશ્વિક બજાર સુધી
‘સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ’ના સૂત્ર સાથે વોકલ ફોર લોકલને વેગ આપવાની વાત પણ મુખ્યમંત્રીએ કરી. ગ્રામીણ ઉદ્યોગો, હસ્તકલા અને સ્થાનિક વિરાસતને વૈશ્વિક બજાર સાથે જોડવા માટે પ્રયાસો થઈ રહ્યા છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અને રિજનલ કોન્ફરન્સ દ્વારા રોકાણ અને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો પણ ઉલ્લેખ કરાયો.
શિક્ષણ, પોષણ અને પર્યાવરણ પર ભાર
બાળકોના સંસ્કારયુક્ત શિક્ષણ અને શિક્ષણની ગુણવત્તા સુધારવા સાથે પોષણને પણ મહત્વ આપવામાં આવી રહ્યું છે. ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’નો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ પર્યાવરણ સંરક્ષણ માટે મિશન LiFE, ‘એક પેડ માં કે નામ’ અને ‘કેચ ધ રેન’ જેવા અભિયાનોની વાત કરી.
‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’નો સંકલ્પ
મુખ્યમંત્રીએ 9 ઓગસ્ટથી શરૂ થયેલા ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં અગ્રેસર રહી દેશભક્તિ અને રાષ્ટ્રનિર્માણની ભાવનાને મજબૂત બનાવવા અપીલ કરી. તેમણે 2035માં ગુજરાતની સ્થાપનાના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરને વિકાસના અમૃતકાળ સાથે જોડીને તેને સુવર્ણકાળ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો. અંતે મુખ્યમંત્રીએ રાજ્યની જનતાને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ પાઠવી હતી.

