અતૂટ આસ્થાનો અનોખો પ્રસંગ
બનાસકાંઠાના પાલનપુરમાંથી શ્રદ્ધા અને લાગણીનો એક હૃદયસ્પર્શી કિસ્સો સામે આવ્યો છે. ચાર મહિના પહેલાં ખોવાયેલો લેબ્રાડોર જાતિનો પાલતુ શ્વાન સુરક્ષિત પરત મળતાં એક હોટલ માલિકે અંબાજી માતાજી સમક્ષ રાખેલી માનતા પૂર્ણ કરવા પાલનપુરથી અંબાજી સુધીની પગપાળા યાત્રા શરૂ કરી છે.
ડોગ ખોવાયો, પછી રાખી માનતા
માહિતી અનુસાર, ચાર મહિના પહેલાં હોટલ માલિકનો પ્રિય પાલતુ શ્વાન અચાનક ખોવાઈ ગયો હતો. અનેક પ્રયાસો છતાં તેનો કોઈ પત્તો લાગ્યો નહોતો. ત્યારબાદ માલિકે અંબાજી માતાજી સમક્ષ માનતા રાખી હતી કે જો તેમનો પાલતુ શ્વાન સહીસલામત પરત મળશે તો તેઓ પગપાળા યાત્રા કરીને દર્શન કરશે.
સ્ટાફ અને ડોગ સાથે શરૂ કરી યાત્રા
ચાર મહિના બાદ શ્વાન પરત મળતાં માલિકે વિલંબ કર્યા વગર પોતાની હોટલના સ્ટાફ અને પ્રિય ડોગ સાથે અંબાજી તરફ પદયાત્રા શરૂ કરી. યાત્રા દરમિયાન ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. પદયાત્રીઓ ગરબા ગાતા અને માતાજીના જયઘોષ સાથે આગળ વધી રહ્યા છે.
શ્રદ્ધા અને લાગણીનું સુંદર ઉદાહરણ
આ અનોખી યાત્રા સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બની છે. પાલતુ પ્રાણી પ્રત્યેનો પ્રેમ અને માતાજી પ્રત્યેની અતૂટ આસ્થા બંનેનો આ કિસ્સો સુંદર સમન્વય રજૂ કરે છે. અનેક લોકોએ યાત્રાળુઓનું સ્વાગત કરી શુભેચ્છાઓ પાઠવી હતી.

