30 વર્ષ બાદ ઐતિહાસિક US મુલાકાત
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 30 વર્ષના લાંબા અંતરાલ બાદ અમેરિકાની મુલાકાતે જઈ રહ્યા છે, જેને લઈને અમેરિકામાં વસતા ગુજરાતી સમુદાયમાં ઉત્સાહનો માહોલ છે. ન્યૂ જર્સીના કાર્ટરેટ ખાતે મુખ્યમંત્રીના સ્વાગત અને સન્માન માટે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
1800થી 2000 લોકો જોડાવાની શક્યતા
કાર્ટરેટ પર્ફોર્મિંગ આર્ટ્સ સેન્ટર ખાતે યોજાનારા ‘ગર્વી ગુજરાત’ કાર્યક્રમમાં અંદાજે 1800થી 2000 લોકો જોડાય તેવી આયોજકોની અપેક્ષા છે. કાર્યક્રમમાં ગુજરાતી ડાયસ્પોરા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સન્માન કરવામાં આવશે. આ મુલાકાતને લઈને ન્યૂ જર્સીમાં વસતા ગુજરાતીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
અનેક સંસ્થાઓ સાથે મળીને આયોજન
આ ભવ્ય કાર્યક્રમના આયોજનમાં ઉમિયાધામ, IBA, FIA સહિતની વિવિધ સંસ્થાઓ જોડાઈ છે. અંકુર વૈદ્ય, સૌરીન પરીખ, કુણાલ જોશી અને હર્ષદ પટેલ સહિતના આગેવાનો આયોજનમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિએશન્સ (FIA)ના પ્રમુખ શ્રીકાંત અકપલ્લી પણ કાર્યક્રમ સાથે જોડાયેલા છે.
ગુજરાત-અમેરિકા વચ્ચેના સંબંધોનો માહોલ
મુખ્યમંત્રીની આ મુલાકાત દરમિયાન ગુજરાતી ડાયસ્પોરા સાથે સીધો સંપર્ક અને સન્માન કાર્યક્રમને મહત્વ આપવામાં આવી રહ્યું છે. 30 વર્ષ બાદ ગુજરાતના મુખ્યમંત્રીની US મુલાકાત હોવાના દાવાને કારણે આ કાર્યક્રમને વિશેષ ઐતિહાસિક મહત્વ આપવામાં આવી રહ્યું છે.

