190 વિદ્યાર્થીઓના ભવિષ્ય પર સવાલ
અમદાવાદમાં શાળાના સ્થળાંતરને લઈને સામે આવેલા વિવાદે 190 વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભવિષ્યને લઈને ચિંતા ઊભી કરી છે. શ્યામ-ઘનશ્યામ સ્કૂલને શિક્ષણ વિભાગની પૂર્વ મંજૂરી વિના કેશવનગરથી જુહાપુરા વિસ્તારમાં આવેલા કેમ્પસમાં ખસેડવામાં આવી હોવાના આક્ષેપો થયા છે. મામલો સામે આવ્યા બાદ શિક્ષણ વિભાગે તપાસ અને કાર્યવાહી શરૂ કરી છે.
મંજૂરી વિના સ્થળાંતરનો આક્ષેપ
પ્રાપ્ત વિગતો અનુસાર, ધોરણ 1થી 8ના 173 અને ધોરણ 9-10ના 17 વિદ્યાર્થીઓ, એમ કુલ 190 વિદ્યાર્થીઓ આ સમગ્ર વિવાદથી અસરગ્રસ્ત થયા છે. શિક્ષણ વિભાગની તપાસમાં શાળાના સ્થળાંતર અંગે જરૂરી મંજૂરી અને દસ્તાવેજો અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા હોવાનું સામે આવ્યું છે.
નવી જગ્યાએ પણ મંજૂરીનો મુદ્દો
મામલાની તપાસ દરમિયાન જે કેમ્પસમાં શાળા ચલાવવામાં આવી રહી હતી તેની મંજૂરી અંગે પણ સવાલો સામે આવ્યા છે. અહેવાલો અનુસાર, તપાસ દરમિયાન સંચાલકો સ્થળાંતર અથવા મંજૂરી સંબંધિત જરૂરી દસ્તાવેજો રજૂ કરી શક્યા નહોતા.
શિક્ષણ વિભાગનો કડક નિર્ણય
સમગ્ર મામલે શિક્ષણ વિભાગે શાળા બંધ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. સાથે જ નિયમોના ઉલ્લંઘન અંગે સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી અને પોલીસ ફરિયાદની દિશામાં પણ પગલાં લેવામાં આવી રહ્યા છે. મંજૂરી વિના શાળા ચલાવવાના મુદ્દે જવાબદારી નક્કી કરવાની પ્રક્રિયા આગળ વધારવામાં આવી રહી છે.
190 વિદ્યાર્થીઓને બીજી શાળામાં પ્રવેશ અપાશે
સૌથી મહત્વની વાત એ છે કે શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓનું શૈક્ષણિક વર્ષ બગડે નહીં તે માટે અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને નજીકની અન્ય માન્ય શાળાઓમાં પ્રવેશ અપાવવાની પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય કર્યો છે. હવે વાલીઓની ચિંતા વચ્ચે સમગ્ર પ્રક્રિયા કેટલી ઝડપથી પૂર્ણ થાય છે તેના પર નજર રહેશે

