1 ઓગસ્ટથી બદલાશે અનેક નાણાકીય નિયમો
દર મહિનાની પહેલી તારીખની જેમ 1 ઓગસ્ટથી પણ અનેક મહત્વના નાણાકીય નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. આ ફેરફારોની સીધી અસર સામાન્ય લોકોના ઘરખર્ચ, માસિક બજેટ, લોન, રોકાણ અને ટેક્સ પ્લાનિંગ પર પડશે. LPG સિલિન્ડરના ભાવથી લઈને ITR, બેંકિંગ ચાર્જ અને GST સુધી ઘણા નિયમોમાં બદલાવ જોવા મળશે.
LPGના ભાવ અને EMI પર રહેશે નજર
સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે LPG સિલિન્ડરના ભાવની સમીક્ષા કરે છે. વૈશ્વિક બજારમાં ગેસના ભાવમાં થયેલા ફેરફારને ધ્યાનમાં રાખીને આ વખતે ઘરેલુ અને કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ફેરફાર થઈ શકે છે. બીજી તરફ 3થી 5 ઓગસ્ટ દરમિયાન RBIની મોનેટરી પોલિસી કમિટીની બેઠક યોજાશે. જો રેપો રેટમાં ઘટાડો થશે તો હોમ લોન, કાર લોન અને પર્સનલ લોનની EMIમાં રાહત મળી શકે છે.
ITR મોડું ભરશો તો દંડ ભરવો પડશે
પગારદાર કરદાતાઓ માટે 31 જુલાઈ ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ છે. આ પછી મોડું રિટર્ન ભરનારાઓને તેમની આવક મુજબ ₹1,000થી ₹5,000 સુધીની લેટ ફી ચૂકવવી પડી શકે છે. ઉપરાંત બાકી ટેક્સ પર વ્યાજ પણ લાગુ પડી શકે છે. જ્યારે નાના વેપારીઓ અને કલમ 44AD તથા 44ADA હેઠળ આવતા કરદાતાઓ માટે અંતિમ તારીખ 31 ઓગસ્ટ છે.
શેરબજાર અને બેંકિંગમાં પણ બદલાવ
1 ઓગસ્ટથી SEBI ઓપન માર્કેટ શેર બાયબેકની પ્રક્રિયા ફરી શરૂ કરશે. નવી વ્યવસ્થા મુજબ કંપનીઓ ચૂકવેલ મૂડી અને ફ્રી રિઝર્વના મહત્તમ 15 ટકા સુધી શેર બાયબેક કરી શકશે. બીજી તરફ કેટલીક બેંકો તેમની સર્વિસ ચાર્જમાં ફેરફાર કરી રહી છે. ઉદાહરણ તરીકે ઉજ્જિવન સ્મોલ ફાઇનાન્સ બેંક SMS એલર્ટ માટે પ્રતિ SMS 30 પૈસા ચાર્જ વસૂલશે.
GSTના નિયમો થશે વધુ કડક
GST નેટવર્ક દ્વારા ઇ-વે બિલ સંબંધિત નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવી રહ્યો છે. હવે 'બિલ-ટુ/શિપ-ટુ' ટ્રાન્ઝેક્શનમાં 'શિપ-ટુ' પક્ષનો GSTIN આપવો ફરજિયાત રહેશે. ઉપરાંત એકવાર IRN (Invoice Reference Number) જનરેટ થઈ ગયા પછી તેમાં કોઈ ફેરફાર કરી શકાશે નહીં. તેથી વેપારીઓ અને ઉદ્યોગકારોએ નવા નિયમોનું પાલન કરવું જરૂરી રહેશે.

