અમેરિકાના વિઝા માટે શરૂ થઈ નવી પ્રીમિયમ એપોઇન્ટમેન્ટ સેવા
અમેરિકા જવા ઇચ્છતા લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. લાંબી વેઇટિંગને ઘટાડવાના પ્રયાસરૂપે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે એક નવી પાયલટ યોજના જાહેર કરી છે. આ યોજના હેઠળ પાત્ર અરજદારો વધારાની 750 ડોલરની ફી ચૂકવીને વિઝા ઇન્ટરવ્યૂ માટે વહેલી એપોઇન્ટમેન્ટ મેળવી શકશે. આ પાયલટ પ્રોગ્રામ 1 જુલાઈથી 31 ડિસેમ્બર, 2026 સુધી અમલમાં રહેશે.
માત્ર 10 બિઝનેસ ડેઝમાં મળશે ઇન્ટરવ્યૂ સ્લોટ
નવી વ્યવસ્થા મુજબ B-1 (બિઝનેસ) અને B-2 (ટૂરિસ્ટ) વિઝા માટે અરજી કરનાર પાત્ર અરજદારોને ઉપલબ્ધતા મુજબ માત્ર 10 બિઝનેસ ડેઝની અંદર ઇન્ટરવ્યૂનો સ્લોટ આપવામાં આવશે. જોકે, આ સેવા તમામ અમેરિકન એમ્બેસી અને કોન્સ્યુલેટમાં ઉપલબ્ધ નહીં હોય. જ્યાં આ સુવિધા શરૂ થશે તેની યાદી યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ તેની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરશે અને પ્રીમિયમ સ્લોટ્સની સંખ્યા પણ મર્યાદિત રહેશે.

વધારાની ફીથી વિઝા મંજૂરીની કોઈ ગેરંટી નહીં
યુએસ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે આ વધારાની ફી માત્ર ઇન્ટરવ્યૂની તારીખ વહેલી મેળવવા માટે છે. વિઝા મંજૂરીની પ્રક્રિયા, સુરક્ષા તપાસ અથવા દસ્તાવેજોની ચકાસણીમાં કોઈ ખાસ છૂટછાટ આપવામાં આવશે નહીં. જો વહીવટી પ્રક્રિયામાં સમય લાગશે તો પ્રીમિયમ સેવા લીધા બાદ પણ વિઝા મળવામાં સામાન્ય સમય જેટલો જ વિલંબ થઈ શકે છે.
વિઝા માટેના તમામ નિયમો રહેશે યથાવત્
સ્ટેટ ડિપાર્ટમેન્ટે ભારપૂર્વક જણાવ્યું છે કે પ્રીમિયમ એપોઇન્ટમેન્ટ સેવા લેતા અરજદારોને પણ B-1 અને B-2 વિઝા માટેના તમામ હાલના નિયમો અને પાત્રતાના માપદંડોનું પાલન કરવું પડશે. વહેલી ઇન્ટરવ્યૂ તારીખ મળવાથી વિઝા મંજૂર થવાની શક્યતા વધતી નથી. અંતિમ નિર્ણય અરજદારની યોગ્યતા, દસ્તાવેજો અને ઇન્ટરવ્યૂના આધારે જ લેવામાં આવશે.

