યુદ્ધ વચ્ચે મોદી-પેઝેશ્કિયાન સામસામે

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ગંભીર તણાવ વચ્ચે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન વચ્ચે બિશ્કેકમાં મહત્વપૂર્ણ મુલાકાત થઈ છે. શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટની સાઇડલાઈન પર થયેલી આ બેઠકમાં બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો ઉપરાંત પશ્ચિમ એશિયાની તાજેતરની સ્થિતિ પર ચર્ચા કરી હતી.

પશ્ચિમ એશિયાના સંઘર્ષ પર ચર્ચા

બેઠકમાં પશ્ચિમ એશિયામાં તાજેતરમાં થયેલા ઘટનાક્રમ અને વધતા તણાવ અંગે બંને નેતાઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતા. PM મોદીએ ક્ષેત્રમાં વધતા તણાવ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને ભારતનું વલણ સ્પષ્ટ કરતા કહ્યું કે તમામ મુદ્દાઓનો ઉકેલ સંવાદ અને કૂટનીતિના માધ્યમથી થવો જોઈએ.

હોર્મુઝમાં સુરક્ષિત અવરજવર પર ભાર

આ બેઠકમાં નેવિગેશન અને વેપારની સ્વતંત્રતા જાળવવા પર પણ ભાર મૂકવામાં આવ્યો. PM મોદીએ સ્પષ્ટ કર્યું કે નાગરિકો, નાગરિક માળખું, કોમર્શિયલ શિપિંગ અને દરિયાઈ કર્મચારીઓને કોઈપણ સંજોગોમાં નુકસાન ન થવું જોઈએ. હોર્મુઝ વિસ્તારમાં તણાવ વચ્ચે ભારત માટે આ મુદ્દો ખાસ મહત્વ ધરાવે છે.

ભારત-ઈરાન સંબંધો વધુ મજબૂત કરવાની વાત

બંને નેતાઓએ ભારત-ઈરાનના દ્વિપક્ષીય સંબંધોની પણ સમીક્ષા કરી હતી. PM મોદીએ ઈરાન સાથેના લાંબા સમયથી ચાલતા સંબંધોને વધુ મજબૂત બનાવવાની ભારતની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. બંને દેશો વચ્ચે વેપારને વધુ વિસ્તૃત અને વૈવિધ્યસભર બનાવવાની દિશામાં પણ વાતચીત થઈ હોવાનું અહેવાલોમાં સામે આવ્યું છે.

BRICS અને SCOમાં સહયોગ ચાલુ રહેશે

ભારતે ઈરાન સાથે BRICS અને SCO જેવા બહુપક્ષીય સંગઠનોમાં નજીકથી સહયોગ ચાલુ રાખવાની તૈયારી પણ વ્યક્ત કરી છે. PM મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાનને આગામી BRICS સમિટ માટે ભારતમાં આવકારવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

બેઠકનું ભૂ-રાજકીય મહત્વ

ફેબ્રુઆરીમાં પશ્ચિમ એશિયામાં યુદ્ધ શરૂ થયા બાદ બંને નેતાઓ વચ્ચેની આ પહેલી સામસામે મુલાકાત છે. તેથી વર્તમાન સંજોગોમાં આ બેઠકનું રાજદ્વારી મહત્વ વધી જાય છે. ભારત એક તરફ ઈરાન સાથેના સંબંધો જાળવી રાખવા માંગે છે, તો બીજી તરફ પશ્ચિમ એશિયામાં શાંતિ, સુરક્ષિત વેપાર માર્ગો અને સંવાદ દ્વારા ઉકેલ પર ભાર મૂકી રહ્યું છે.