વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે ભારતનો ડંકો

વિશ્વભરમાં સંઘર્ષ, અનિશ્ચિતતા અને ક્રૂડ ઓઇલને લઈને પડકારો વચ્ચે પણ ભારતની અર્થવ્યવસ્થાએ મજબૂત પ્રદર્શન કર્યું છે. મુંબઈમાં યોજાયેલા Global Fintech Fest 2026માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના 7.8% GDP ગ્રોથનો ઉલ્લેખ કરતાં કહ્યું કે આવા પડકારજનક વાતાવરણમાં ભારતની આર્થિક કામગીરી સમગ્ર વિશ્વ માટે નવા વિશ્વાસનું કારણ બની રહી છે.

PM મોદીએ ગણાવી ‘અનોખી હેટ્રિક’

કાર્યક્રમમાં PM મોદીએ પોતાની હાજરી સાથે જોડાયેલી ‘હેટ્રિક’નો પણ ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે એક હેટ્રિક 2024માં સતત ત્રીજી વખત સરકાર બનવાથી થઈ હતી, જ્યારે બીજી હેટ્રિક Global Fintech Festમાં સતત ત્રીજા વર્ષે હાજરી આપવાની છે. તેમના મતે આ સતત હાજરી એ દર્શાવે છે કે વિકસિત ભારતના નિર્માણમાં ફિનટેક ક્ષેત્રની ભૂમિકા કેટલી મહત્વપૂર્ણ છે.

યુવાનોની નવી ઊર્જાથી વધ્યો વિશ્વાસ

PM મોદીએ કહ્યું કે દરેક વખતે આ મંચ પર આવતાં તેમને પહેલાં કરતાં વધુ યુવાનો અને નવી ઊર્જા જોવા મળે છે. તેમના અનુસાર ભારતીય યુવાઓમાં રિસ્ક લેવાની ક્ષમતા વધી રહી છે અને તેમના સપનાઓનું કદ પણ વધી રહ્યું છે. આ બદલાવ વિકસિત ભારતના ભવિષ્ય અંગે તેમનો આત્મવિશ્વાસ વધુ મજબૂત બનાવે છે.

UPI બન્યું ભારતની ફિનટેક શક્તિનું પ્રતીક

PM મોદીએ UPIને ભારતીય ફિનટેક સેક્ટરનું સૌથી મોટું ઉદાહરણ ગણાવ્યું. તેમણે જણાવ્યું કે UPIએ કરોડો સામાન્ય લોકોને ઔપચારિક બેંકિંગ વ્યવસ્થા સાથે જોડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ડિજિટલ ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારત હવે માત્ર અન્ય દેશોના મોડલને અનુસરતું નથી, પરંતુ પોતાના નિયમો અને વૈશ્વિક માપદંડો ઘડવાની ક્ષમતા ધરાવે છે.

RBI ગવર્નરે ગણાવી ફિનટેક ક્રાંતિ

RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ પણ ફિનટેક ક્ષેત્રના પરિવર્તન અંગે વાત કરી. તેમણે કહ્યું કે છેલ્લા એક દાયકામાં ફિનટેક ક્રાંતિએ ભારતીય બેંકિંગ અને નાણાકીય ક્ષેત્રનું ચિત્ર બદલી નાખ્યું છે. UPI, AEPS અને જન ધન ઇકોસિસ્ટમના માધ્યમથી નાના શહેરોના વેપારીઓથી લઈને ગામડાના ખેડૂતો અને મેટ્રો શહેરોના પ્રોફેશનલ્સ સુધી ડિજિટલ નાણાકીય સેવાઓ પહોંચતી થઈ છે.