સોશિયલ મીડિયા પર નવી શરૂઆત
કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ Instagram પર પદાર્પણ કરીને પોતાના આગામી પુસ્તક ‘Belonging: A Journey of Love’ની પહેલી ઝલક શેર કરી છે. પુસ્તકનાં પાનાં ફેરવતો વીડિયો શેર કરીને તેમણે વાચકોને પોતાના જીવન, સંબંધો અને અંગત સફરની ઝાંખી આપી છે. વીડિયોમાં પરિવાર સાથે જોડાયેલી તસવીરો પણ જોવા મળે છે, જેના કારણે આ પોસ્ટ ખાસ ચર્ચામાં આવી છે.
પ્રિયંકાની તસવીરો જોઈને હસ્યાં સોનિયા
વીડિયોની એક ખાસ ક્ષણમાં પુત્રી પ્રિયંકા ગાંધીની તસવીરોવાળું પાનું આવે છે. આ તસવીરો જોઈને સોનિયા ગાંધી હસતાં કહે છે, “Lots of pictures, Priyanka”. પુસ્તકમાં સમાવાયેલી તસવીરો અને પરિવાર સાથે જોડાયેલી યાદીઓની ઝલક આ વીડિયોને વધુ અંગત બનાવે છે.
પુસ્તકની નકલો સાથે ખાસ ક્ષણ
વીડિયોમાં પ્રકાશક હાર્પરકોલિન્સ તરફથી સોનિયા ગાંધીને પુસ્તકની ત્રણ નકલો આપવામાં આવે છે. પ્રકાશક તરફથી અભિનંદન મળ્યા બાદ તેઓ આભાર વ્યક્ત કરે છે અને પુસ્તકનાં પાનાં ફેરવીને તેમાં સમાવાયેલી તસવીરો નિહાળે છે. આ રીતે પુસ્તકની પહેલી ઝલકમાં લખાણની સાથે તસવીરો દ્વારા પણ તેમના જીવનની સફર રજૂ થતી જોવા મળે છે.
https://www.instagram.com/reel/DeyJ8QEt3wI/?utm_source=ig_web_button_share_sheet
18 વર્ષની ઉંમરે રાજીવ ગાંધી સાથે મુલાકાત
પુસ્તકના અગાઉ જાહેર થયેલા ટીઝરમાં સોનિયા ગાંધીના જીવનની શરૂઆતની કેટલીક મહત્ત્વપૂર્ણ ક્ષણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ટીઝર મુજબ, સોનિયા મૈનો 18 વર્ષની ઉંમરે કેમ્બ્રિજમાં રાજીવ ગાંધીને મળ્યાં હતાં. ત્યારબાદ 21 વર્ષની ઉંમરે તેઓ રાજીવ ગાંધી સાથે લગ્ન કરવા ભારત આવ્યાં હતાં. સમય જતાં ભારત તેમનું ઘર બન્યું અને તેમણે પરિવાર સાથે જીવનની નવી સફર શરૂ કરી.
પ્રેમ, જવાબદારી અને ઓળખની સફર
સોનિયા ગાંધીએ પુસ્તકની પહેલી ઝલક સાથેના સંદેશમાં પ્રેમ, જવાબદારી, વિયોગની વેદના અને પોતાની જગ્યા શોધવાની સફરનો ઉલ્લેખ કર્યો છે. ‘Belonging: A Journey of Love’ માત્ર વ્યક્તિગત યાદોનું પુસ્તક નથી, પરંતુ સંબંધો અને જીવનમાં આવેલી અણધારી જવાબદારીઓ વચ્ચે પોતાની ઓળખ શોધવાની કહાણી તરીકે રજૂ કરવામાં આવી રહ્યું છે. પુસ્તક વાચકો સુધી પહોંચે તે પહેલાં જ તેની પહેલી ઝલકે રાજકીય અને સાહિત્યિક વર્તુળોમાં રસ જગાવ્યો છે.

