હવામાં જ શરૂ થઈ મારામારી
વિમાનમાં મુસાફરોની સુરક્ષા સૌથી મહત્વની હોય છે, પરંતુ બાંગ્લાદેશની બિમાન બાંગ્લાદેશ એરલાઈન્સની ફ્લાઈટમાં જ બે મુસાફરો વચ્ચે મારામારી થઈ હોવાનો વીડિયો સામે આવ્યો છે. સિલ્હટથી લંડન જતી ફ્લાઈટમાં 16 સપ્ટેમ્બરે બનેલી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. શરૂઆતમાં થયેલી બોલાચાલી થોડી જ વારમાં શારીરિક ઝપાઝપીમાં ફેરવાઈ ગઈ હતી.
બોલાચાલી બાદ છૂટા મુક્કા
વાયરલ વીડિયોમાં બે મુસાફરો એકબીજા સાથે ઉગ્ર દલીલ કરતા જોવા મળે છે. ત્યારબાદ મામલો એટલો વણસ્યો કે બંને એકબીજા પર મુક્કા વરસાવવા લાગ્યા. ઝપાઝપી દરમિયાન એક મુસાફરની ટી-શર્ટ ફાટી ગયેલી પણ વીડિયોમાં જોવા મળે છે. અન્ય મુસાફરો ઘટનાને રોકવાનો પ્રયાસ કરતા જોવા મળે છે.
બાળકો અને વૃદ્ધોમાં ગભરાટ
વિમાન હવામાં હતું ત્યારે બનેલી આ ઘટનાથી આસપાસ બેઠેલા મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. અહેવાલો મુજબ ફ્લાઈટમાં બાળકો અને વૃદ્ધ મુસાફરો પણ હાજર હતા. ઝઘડો વધતાં કેબિન ક્રૂ અને અન્ય મુસાફરોએ વચ્ચે પડી બંનેને અલગ કર્યા અને પરિસ્થિતિ નિયંત્રણમાં લીધી.
એરલાઈન્સે કરી પુષ્ટિ
બિમાન બાંગ્લાદેશ એરલાઈન્સના પબ્લિક રિલેશન્સ વિભાગના જનરલ મેનેજર મોહિઉદ્દીન અહેમદે ઘટનાની પુષ્ટિ કરી હતી. તેમના જણાવ્યા મુજબ સિલ્હટથી લંડન જતી ફ્લાઈટ દરમિયાન બે મુસાફરો વચ્ચે શારીરિક ઝપાઝપી થઈ હતી અને કેબિન ક્રૂએ દરમિયાનગીરી કરીને મામલો શાંત કર્યો હતો. જોકે ઝઘડાનું ચોક્કસ કારણ અને લેન્ડિંગ બાદ બંને સામે કોઈ કાયદાકીય કાર્યવાહી થઈ કે નહીં, તેની સ્પષ્ટ માહિતી હજુ સામે આવી નથી.

