વીમા વગર ઈંધણ પર રોક લગાવવાનો વિચાર
માર્ગ સલામતીને વધુ મજબૂત બનાવવા માટે સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ સૂચન આપ્યું છે. કોર્ટે વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળ (IRDAI) તથા માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH)ને એવો પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરવા જણાવ્યું છે, જેમાં વાહનના માન્ય થર્ડ પાર્ટી વીમાને પેટ્રોલ, ડીઝલ અને CNG જેવા ઈંધણના પુરવઠા સાથે જોડવામાં આવે.
શું છે કોર્ટે આપેલું સૂચન?
સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે જો વાહન પાસે માન્ય થર્ડ પાર્ટી વીમો ન હોય તો તેને પેટ્રોલ પંપ પર ઈંધણ ન આપવાની વ્યવસ્થા અંગે પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવે. જોકે કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આ તાત્કાલિક અમલમાં મુકવાનો આદેશ નથી, પરંતુ સંબંધિત વિભાગો માટે એક સૂચન છે, જેના પર વિચાર કરીને પાયલોટ મોડેલ તૈયાર કરવાનો છે.
બે મુખ્ય મુદ્દા પર ભાર
ન્યાયમૂર્તિ સંજય કરોલ અને ન્યાયમૂર્તિ પ્રશાંત કુમાર મિશ્રાની બેન્ચે જણાવ્યું કે મોટર વાહન અધિનિયમ, 1988ની કલમ 146 મુજબ તમામ વાહનો માટે માન્ય થર્ડ પાર્ટી વીમો ફરજિયાત છે. સાથે જ, તમામ મુસાફરોને આવરી લેતી એક સમાન વીમા પોલિસી વ્યવસ્થા અંગે પણ વિચાર કરવાની જરૂરિયાત દર્શાવવામાં આવી છે.
શું થશે પાયલોટ પ્રોજેક્ટથી ફાયદો?
કોર્ટના અવલોકન મુજબ, જો ઈંધણ પુરવઠાને વીમા સાથે જોડવામાં આવે તો વીમા વગરના અથવા નિયમોનું પાલન ન કરતા વાહનોની ઓળખ સરળ બનશે. ઉપરાંત, વાહન માલિકો સમયસર વીમો કરાવવા માટે પણ પ્રોત્સાહિત થશે, જેના કારણે માર્ગ સલામતીમાં સુધારો થઈ શકે છે.

