ગ્લેશિયર તૂટવાથી મોતમાં ભારત નંબર-1!
હિમાલય વિસ્તારમાં ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લડ (GLOF)નો ખતરો કેટલો ગંભીર છે તેની ચોંકાવનારી તસવીર સામે આવી છે. યુએનના નેતૃત્વ હેઠળના અભ્યાસના અહેવાલ મુજબ, ગ્લેશિયરથી બનેલા તળાવો ફાટવાથી આવતા પૂરમાં મૃત્યુઆંકની દૃષ્ટિએ ભારત સૌથી વધુ અસરગ્રસ્ત દેશ છે. 1835થી 2025 સુધીના આંકડાઓના વિશ્લેષણમાં ભારતમાં 6,119 મોત નોંધાયા હોવાનું જણાવાયું છે.
ચીન-પાકિસ્તાનમાં ઘટનાઓ વધુ
અહેવાલ મુજબ GLOFની સંખ્યાની દૃષ્ટિએ ચીનમાં 199 અને પાકિસ્તાનમાં 152 ઘટનાઓ નોંધાઈ છે, જ્યારે ભારતમાં 62 અને નેપાળમાં 58 ઘટનાઓ નોંધાઈ છે. જોકે મૃત્યુઆંકમાં ભારત સૌથી આગળ છે. ચીનમાં 625 અને પાકિસ્તાનમાં 1,991 લોકોના મોત નોંધાયા છે.
હિમસ્ખલન મોટો ટ્રિગર
અભ્યાસ મુજબ ગ્લેશિયલ તળાવો ફાટવાની ઘટનાઓ પાછળ હિમસ્ખલન અને ભારે વરસાદ જેવા કુદરતી પરિબળો મહત્વની ભૂમિકા ભજવે છે. તાપમાનમાં વધારો અને હિમાલયના પર્યાવરણમાં થઈ રહેલા ફેરફારોને કારણે આવી ઘટનાઓના જોખમ અંગે પણ વૈજ્ઞાનિકો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.

ભારતમાં જાનહાનિ કેમ વધુ?
ઘટનાઓની સંખ્યા ઓછી હોવા છતાં ભારતમાં મૃત્યુઆંક ઊંચો રહેવા પાછળ વસ્તી ઘનતા, સંવેદનશીલ પહાડી વિસ્તારો અને પૂરતી આગોતરી ચેતવણી તથા જોખમ વ્યવસ્થાપનની મર્યાદાઓ જેવા પરિબળો જવાબદાર બની શકે છે. આવી સ્થિતિમાં ગ્લેશિયલ તળાવોનું સતત મોનિટરિંગ અને સમયસર ચેતવણી વ્યવસ્થા વધુ મહત્વપૂર્ણ બની જાય છે.
આગામી સમય માટે મોટી ચેતવણી
વિજ્ઞાનીઓના મતે હિમાલય વિસ્તારમાં બદલાતી આબોહવા અને ગ્લેશિયરોમાં થતા ફેરફારોને કારણે GLOFના જોખમને ગંભીરતાથી લેવાની જરૂર છે. ભારત સહિત સમગ્ર હિંદુકુશ હિમાલય વિસ્તારમાં અર્લી વોર્નિંગ સિસ્ટમ, જોખમનું મેપિંગ અને સ્થાનિક સ્તરે આપત્તિ વ્યવસ્થાપન મજબૂત કરવું જરૂરી બની રહ્યું છે.

