વસ્તીગણતરી 2027નું શિડ્યૂલ જાહેર, 25 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી થશે ગણતરી

દેશની આગામી વસ્તીગણતરી માટે કેન્દ્ર સરકારે મહત્વપૂર્ણ સમયપત્રક જાહેર કર્યું છે. 2027ની વસ્તીગણતરી હેઠળ મોટા ભાગનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 25 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી ઘરે-ઘરે જઈને વસ્તીની ગણતરી કરવામાં આવશે. આ વખતે નાગરિકોને પોતાની અને પરિવારની વિગતો ઓનલાઇન જાતે નોંધાવવાનો વિકલ્પ પણ મળશે. જોકે, કેટલાક ચૂંટણીલક્ષી રાજ્યો અને બરફવાળા વિસ્તારો માટે અલગ સમયપત્રક નક્કી કરવામાં આવ્યું છે.

10 જાન્યુઆરીથી જાતે ભરી શકાશે વિગતો

વસ્તીગણતરીમાં નાગરિકોની સુવિધા માટે સેલ્ફ એન્યુમરેશનની વૈકલ્પિક વ્યવસ્થા રાખવામાં આવી છે. આ અંતર્ગત 10 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી 2027 સુધી નાગરિકો ઓનલાઇન પોર્ટલ મારફતે પોતાની અને પરિવારની વિગતો જાતે ભરી શકશે. આ સુવિધા મરજિયાત રહેશે. ત્યારબાદ 25 જાન્યુઆરીથી ગણતરીકારો ઘરે-ઘરે જઈને વસ્તીગણતરીની કામગીરી હાથ ધરશે.

25 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી મુખ્ય ગણતરી

નક્કી કરાયેલા સમયપત્રક પ્રમાણે મોટા ભાગના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 25 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી 2027 સુધી વસ્તીગણતરી કરવામાં આવશે. આ કામગીરી દરમિયાન ગણતરીકારો ઘરે-ઘરે જઈને લોકોની વિગતો એકત્રિત કરશે. સમગ્ર ગણતરી માટે 1 માર્ચ 2027ની રાત્રે 12 વાગ્યાનો સમય સત્તાવાર રેફરન્સ ડેટ તરીકે નક્કી કરવામાં આવ્યો છે.

કેટલાક રાજ્યોમાં અલગ સમયપત્રક

ગોવા, ઉત્તર પ્રદેશ, પંજાબ અને ઉત્તરાખંડના બરફ વગરના વિસ્તારોમાં અગાઉથી અલગ સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં 1 ડિસેમ્બર 2026થી 4 જાન્યુઆરી 2027 સુધી વસ્તીગણતરી થશે. જ્યારે મણિપુર માટે નવી તારીખોની જાહેરાત બાકી છે. લદ્દાખ અને જમ્મુ-કાશ્મીર તથા હિમાચલ પ્રદેશના બરફવાળા વિસ્તારો માટે પણ અલગ વ્યવસ્થા લાગુ પડશે.

1થી 5 માર્ચ સુધી રિવિઝનલ રાઉન્ડ

મુખ્ય વસ્તીગણતરીની કામગીરી પૂર્ણ થયા બાદ 1 માર્ચથી 5 માર્ચ 2027 સુધી રિવિઝનલ રાઉન્ડ યોજાશે. આ તબક્કામાં એકત્રિત કરવામાં આવેલી વિગતોની ફરી ચકાસણી કરવામાં આવશે. કોઈ માહિતી બાકી રહી ગઈ હોય અથવા તેમાં સુધારાની જરૂર હોય તો તેની તપાસ કરવામાં આવશે. આ પ્રક્રિયાનો હેતુ વસ્તીગણતરીના આંકડાઓને વધુ ચોક્કસ બનાવવાનો છે.