H-1B વિઝા ફી મામલે મહત્વનો ચુકાદો
અમેરિકામાં કામ કરવા ઇચ્છુક હજારો ભારતીય વ્યાવસાયિકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. બોસ્ટન સ્થિત ફર્સ્ટ સર્કિટ કોર્ટ ઓફ અપીલ્સે H-1B વિઝા પર $100,000 ફી લાગુ કરવાની ટ્રમ્પ વહીવટીતંત્રની યોજના સામે સ્ટે આપવાનો ઇનકાર કર્યો છે. પરિણામે હાલ માટે H-1B વિઝા અરજીઓ હાલની ફી હેઠળ જ સ્વીકારવામાં આવશે.
નીચલી કોર્ટના ચુકાદાને મળ્યો ટેકો
ત્રણ ન્યાયાધીશોની બેન્ચે નીચલી કોર્ટના ચુકાદાને યથાવત રાખ્યો છે. અગાઉ યુએસ ડિસ્ટ્રિક્ટ જજ લીઓ ટી. સોરોકિને આટલી મોટી ફીને "ગેરકાયદેસર કર" ગણાવી હતી અને કહ્યું હતું કે કોંગ્રેસની મંજૂરી વગર આવી ફી લાદી શકાતી નથી.
ટ્રમ્પ વહીવટીતંત્રને કેમ મળ્યો ઝટકો?
ડેમોક્રેટિક નેતૃત્વવાળા 20 રાજ્યોના એટર્ની જનરલોએ દલીલ કરી હતી કે માત્ર રાષ્ટ્રપતિની ઘોષણાથી આવી મોટી ફી લાગુ કરવી કાયદેસર નથી. અપીલ કોર્ટે પણ જણાવ્યું કે નાગરિકો અથવા કંપનીઓ પર મોટો નાણાકીય બોજ લાદવા માટે કોંગ્રેસની સ્પષ્ટ મંજૂરી જરૂરી છે.
ભારતીય IT પ્રોફેશનલ્સને મળશે સીધી રાહત
H-1B વિઝા અમેરિકાની કંપનીઓને IT, એન્જિનિયરિંગ, વિજ્ઞાન અને અન્ય વિશિષ્ટ ક્ષેત્રોમાં વિદેશી વ્યાવસાયિકોને નોકરી આપવા માટે આપવામાં આવે છે. દર વર્ષે જાહેર થતા 85,000 H-1B વિઝામાં મોટો હિસ્સો ભારતીય વ્યાવસાયિકોને મળે છે. કોર્ટના નિર્ણયથી હાલ માટે ભારે ફીનો બોજ ટળી ગયો છે.
અંતિમ ચુકાદા સુધી હાલની ફી જ લાગુ રહેશે
અપીલ કોર્ટના નિર્ણયનો અર્થ એ છે કે કેસની અંતિમ સુનાવણી પૂર્ણ ન થાય ત્યાં સુધી ટ્રમ્પ વહીવટીતંત્ર $100,000 ફીની અમલવારી કરી શકશે નહીં અને હાલનું ફી માળખું યથાવત રહેશે.

