વિશ્વના સૌથી અમીર મંદિરોમાં અનોખી પરંપરા

ભારતના સૌથી સમૃદ્ધ અને વિશ્વવિખ્યાત મંદિરોમાં ગણાતા આંધ્રપ્રદેશના તિરૂમલા તિરૂપતિ વેંકટેશ્વર મંદિરમાં મોટી રકમનું દાન આપનારા ભક્તોને માત્ર આધ્યાત્મિક આશીર્વાદ જ નહીં પરંતુ સન્માનરૂપે અસલી સોના અને ચાંદીના સિક્કા પણ આપવામાં આવે છે. તાજેતરમાં મંદિર ટ્રસ્ટે ડોનર પોલિસીમાં ફેરફાર કરતાં કરોડો રૂપિયાનું દાન આપનાર ભક્તોની લાંબી લાઈનો જોવા મળી હતી.

દાન પ્રમાણે મળે છે વિશેષ સન્માન

મંદિર ટ્રસ્ટના નિયમો મુજબ નોંધાયેલા દાતાઓને દાનની રકમ અનુસાર અલગ-અલગ સન્માન આપવામાં આવે છે. ₹10 લાખથી ₹25 લાખ સુધીનું દાન કરનારને પ્રથમ મુલાકાત દરમિયાન 50 ગ્રામનો શુદ્ધ ચાંદીનો સિક્કો મળે છે. ₹25 લાખથી ₹1 કરોડ સુધીનું દાન આપનારને 5 ગ્રામનો સોનાનો ડોલર અને 50 ગ્રામનો ચાંદીનો સિક્કો આપવામાં આવે છે. જ્યારે ₹1 કરોડથી વધુ દાન કરનારને 5 ગ્રામનો સોનાનો ડોલર ઉપરાંત ભગવાન શ્રીવરૂ અને દેવી પદ્માવતીની છબી ધરાવતું સોનાનું ઢોળ ચડાવેલું ચાંદીનું વિશેષ પદક ભેટ સ્વરૂપે આપવામાં આવે છે.

આ રીતે મળે છે સિક્કા

દાન કરવા માટે ભક્તો TTDના સત્તાવાર ઈ-ડોનેશન પોર્ટલ પર ઓનલાઈન દાન કરી શકે છે અથવા ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા ઓફલાઈન પણ રકમ જમા કરાવી શકે છે. પેમેન્ટ બાદ ડિજિટલ રસીદ, ટેક્સ છૂટનું પ્રમાણપત્ર અને ડોનર પાસબુક આપવામાં આવે છે. ત્યારબાદ નિર્ધારિત પ્રક્રિયા પૂર્ણ કરીને પરિવાર સાથે વિશેષ દર્શન બાદ ડોનર સેલમાં વેરિફિકેશન કરાવવામાં આવે છે, જ્યાં સિક્કા, રેશમી દુપટ્ટો અને લાડુ પ્રસાદ આપવામાં આવે છે.

કેમ લાગી હતી કરોડપતિઓની લાંબી લાઈન?

14 જુલાઈએ મંદિરને એક જ દિવસમાં ₹96.98 કરોડનું રેકોર્ડ દાન મળ્યું હતું. તેનું મુખ્ય કારણ ડોનર પોલિસીમાં થનારો મોટો ફેરફાર હતો. અગાઉ ₹1 કરોડ અથવા વધુનું દાન કરનારને આજીવન VIP દર્શન અને રહેવાની સુવિધા મળતી હતી. પરંતુ નવી નીતિ લાગુ થતાં આજીવન લાભ બંધ થવાનો હોવાથી હજારો દાતાઓએ સમયમર્યાદા પહેલાં જ કરોડો રૂપિયાનું દાન કર્યું.

હવે શું બદલાયું?

નવી ડોનર પોલિસી મુજબ હવે કોઈપણ દાતાને આજીવન VIP સુવિધા મળશે નહીં. વ્યક્તિગત દાતાઓને મહત્તમ 20 વર્ષ અને સંસ્થા અથવા કોર્પોરેટ ટ્રસ્ટને 15 વર્ષ સુધી જ VIP દર્શન અને અન્ય સુવિધાઓ મળશે. ઉપરાંત ભલામણ પત્રો દ્વારા મળતી VIP સુવિધાઓની વ્યવસ્થા પણ સંપૂર્ણપણે બંધ કરવામાં આવી છે.