સુરત શહેર અને જિલ્લામાં ભારે વરસાદ તેમજ ઉપરવાસમાંથી છોડાયેલા પાણીના કારણે સર્જાયેલી પૂર જેવી સ્થિતિ હજુ પણ સંપૂર્ણપણે સામાન્ય બની નથી.
શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા હોવાથી અત્યાર સુધીમાં અંદાજે 3 હજાર 900 લોકોને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કરાયા છે. તંત્રના જણાવ્યા મુજબ ખાડીપૂરની સ્થિતિને કારણે પાણી સંપૂર્ણપણે ઓસરવામાં હજુ સમય લાગી શકે છે.

પરિસ્થિતિ પર સતત નજર રાખવા માટે ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાંથી મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. વિશેષ અધિકારી શાલિની અગ્રવાલ, સુરત મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા કલેક્ટર સતત પરિસ્થિતિની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપી રહ્યા છે.
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારના પ્રભારી મંત્રી કનુ દેસાઈ સુરત પહોંચી રહ્યા છે. તેઓ અધિકારીઓ સાથે બેઠક યોજીને રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરશે. જ્યારે 9 જુલાઈએ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સુરત અને વલસાડ જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે.

આરોગ્ય સેવાઓને અસર ન થાય તે માટે 200 સભ્યોની આરોગ્ય ટીમ વિવિધ વિસ્તારોમાં કાર્યરત છે. સુરત પોલીસ કમિશનર અને વિશેષ અધિકારી શાલિની અગ્રવાલે બોટ મારફતે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી.
ડિંડોલી સહિતના વિસ્તારોમાં NDRFની ટીમ સાથે ઉચ્ચ અધિકારીઓએ સ્થળ પર પહોંચી સ્થિતિનું નિરીક્ષણ કર્યું. જ્યાં પાણી ઓસરવાનું શરૂ થયું છે, ત્યાં તાત્કાલિક સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે. અંદાજે 7 હજાર સફાઈ કર્મચારીઓને કામે લગાડવામાં આવ્યા છે.
પાણીના નિકાલ અને સફાઈ માટે મહાનગરપાલિકાના 234 જેટલા મશીનો સતત કાર્યરત છે. જ્યારે બચાવ કામગીરીમાં સુરત ફાયર વિભાગની 14 ટીમો ઉપરાંત NDRF અને SDRFની કુલ 9 ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત રાહત અને રેસ્ક્યૂ કામગીરી કરી રહી છે.

