સ્માર્ટફોન થશે સસ્તા?
દેશમાં સ્માર્ટફોનની સ્થાનિક માંગમાં ઘટાડો અને હેન્ડસેટની વધતી કિંમત વચ્ચે મોબાઇલ ઉદ્યોગે કેન્દ્ર સરકાર સમક્ષ મહત્વની માંગણી કરી છે. ઇન્ડિયન સેલ્યુલર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એસોસિએશન (ICEA)એ કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખીને મોબાઇલ ફોન પર લાગતો GST વર્તમાન 18 ટકાથી ઘટાડીને 5 ટકા કરવાની અપીલ કરી છે.
સ્થાનિક બજારમાં માંગ ઘટી
ICEAના જણાવ્યા મુજબ ભારત મોબાઇલ ઉત્પાદન અને નિકાસ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી રહ્યું છે, પરંતુ તેની અસર સ્થાનિક બજારમાં જોવા મળી રહી નથી. લોકો જૂના ફોન લાંબા સમય સુધી વાપરી રહ્યા છે અને ખાસ કરીને બજેટ સ્માર્ટફોન સેગમેન્ટ પર દબાણ વધ્યું છે. મેમરી ચિપના વધતા ભાવ અને ઊંચા ટેક્સને કારણે ફોનની કિંમત પર પણ અસર પડી રહી છે.
GST 18%થી 5% કરવાની અપીલ
સંગઠને 2 સપ્ટેમ્બરે લખેલા પત્રમાં મોબાઇલ ફોન ઉપરાંત તેના સ્પેરપાર્ટ્સ પર પણ GST ઘટાડવાની માંગ કરી છે. ICEAના ચેરમેન પંકજ મોહિન્દ્રુના જણાવ્યા પ્રમાણે સ્થાનિક બજારમાં માંગમાં તેજી નહીં આવે તો મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રના આગામી વિકાસને અસર થઈ શકે છે. તેથી GSTનો દર ઘટાડીને ગ્રાહકો માટે મોબાઇલ વધુ સસ્તા બનાવવાની રજૂઆત કરવામાં આવી છે.
ભારતમાં iPhone મોંઘા હોવાનો દાવો
ICEAએ ભારતમાં અને અમેરિકામાં iPhoneની કિંમતની સરખામણીનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. સંગઠનના જણાવ્યા પ્રમાણે ભારતમાં ઉત્પાદન થતું હોવા છતાં ઊંચા ટેક્સ અને રૂપિયાના અવમૂલ્યનને કારણે કેટલાક મોડલની કિંમત વધુ રહે છે. સંગઠને દાવો કર્યો છે કે તાજેતરમાં રજૂ થયેલી iPhone 18 સિરીઝ અને iPhone Duoની કિંમત ભારતમાં અમેરિકાની સરખામણીએ આશરે ₹40 હજારથી ₹1.15 લાખ સુધી વધુ છે.
બજેટ ફોન પર વધ્યું દબાણ
ICEAના જણાવ્યા પ્રમાણે એપ્રિલ 2020માં મોબાઇલ ફોન પર GSTનો દર 12 ટકાથી વધારીને 18 ટકા કરાયો હતો. સંગઠનનો દાવો છે કે છેલ્લા એક વર્ષમાં એન્ટ્રી-લેવલ સ્માર્ટફોનની કિંમતોમાં આશરે 35થી 45 ટકાનો વધારો થયો છે, જ્યારે ₹10 હજારથી ઓછી કિંમતના સ્માર્ટફોનનો હિસ્સો ઘટ્યો છે. હવે સરકાર GST ઘટાડવાની આ માંગ સ્વીકારે છે કે નહીં, તેના પર મોબાઇલ ગ્રાહકોની નજર રહેશે.

