'હું ગોળી ખાવા પણ તૈયાર છું', માનસિક થાક વચ્ચે ગૌતમ ગંભીરનું દર્દ છલકાયું

ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર મેદાન પર ખેલાડીઓ પાસેથી શાનદાર પ્રદર્શનની અપેક્ષા રાખે છે, પરંતુ મેદાનની બહાર તેઓ પોતે પણ સતત દબાણનો સામનો કરી રહ્યા છે. વ્યસ્ત ક્રિકેટ કેલેન્ડર અને સતત પ્રવાસ વચ્ચે ગંભીરએ સ્વીકાર્યું છે કે તેઓ માનસિક થાક અનુભવી રહ્યા છે. ન્યૂઝીલેન્ડ સામેની પાંચ મેચની T20 શ્રેણી પૂર્ણ થયા બાદ તેમનું આ નિવેદન ચર્ચાનો વિષય બન્યું છે.

ડર મારી ડિક્શનરીમાં નથી!

ન્યૂઝીલેન્ડ સામેની પાંચમી T20 મેચ બાદ હેમિલ્ટનમાં મીડિયા સાથે વાતચીત દરમિયાન ગંભીરએ સ્પષ્ટ કર્યું કે તેઓ દબાણથી ડરતા નથી. તેમણે કહ્યું કે તેમની ડિક્શનરી, ડિરેક્ટરી અને વિચારધારામાં ડર માટે કોઈ સ્થાન નથી. તેઓ પ્રોફેશનલ અભિગમમાં માને છે અને તેમના મતે બહાનાબાજી માટે કોઈ જગ્યા હોવી જોઈએ નહીં.

2026માં 12 સીરિઝની જવાબદારી

ગંભીર માટે વર્ષ 2026 વ્યસ્ત રહ્યું છે. અત્યાર સુધીમાં તેઓ ભારતીય ટીમના હેડ કોચ તરીકે 12 સીરિઝમાં જવાબદારી સંભાળી ચૂક્યા છે. ખેલાડીઓને વર્કલોડ મેનેજમેન્ટના ભાગરૂપે અલગ-અલગ ફોર્મેટમાં આરામ મળી શકે છે, પરંતુ ત્રણેય ફોર્મેટની ટીમની જવાબદારી સંભાળતા ગંભીરને લાંબો બ્રેક મળ્યો નથી. એશિયન ગેમ્સ દરમિયાન પણ તેઓ વેસ્ટ ઈન્ડિઝ સામેની વનડે શ્રેણીની જવાબદારી સંભાળી રહ્યા હતા.

યુવા ખેલાડીઓના પ્રદર્શનથી ખુશ

ન્યૂઝીલેન્ડ પ્રવાસ દરમિયાન ભારતીય ટીમના યુવા ખેલાડીઓએ કરેલા પ્રદર્શનની પણ ગંભીરએ પ્રશંસા કરી હતી. તેમના જણાવ્યા અનુસાર, ઘણા ખેલાડીઓ પ્રથમ વખત ન્યૂઝીલેન્ડના પ્રવાસે આવ્યા હતા. લાંબી મુસાફરી બાદ સ્થાનિક પરિસ્થિતિને સમજવા અને પ્રેક્ટિસ માટે માત્ર એક દિવસનો સમય મળ્યો હતો. તેમ છતાં ટીમે શરૂઆતની ત્રણ T20 મેચ જીતીને શ્રેણી પોતાના નામે કરી હતી. ગંભીરએ આ સફળતાનો શ્રેય ખેલાડીઓની મહેનત અને પ્રદર્શનને આપ્યો હતો.