સપનાનું ઘર થયું વધુ મોંઘું

પોતાનું ઘર ખરીદવાનું સપનું હવે સામાન્ય માણસના બજેટ માટે વધુ મોટો પડકાર બની રહ્યું છે. ANAROCK Researchના તાજા આંકડા મુજબ 2021થી 2025 વચ્ચે દેશના ટોચના 7 શહેરોમાં રહેણાંક મિલકતોના સરેરાશ ભાવ 59% વધ્યા છે. આ સમયગાળામાં સરેરાશ ભાવ ₹5,826 પ્રતિ ચોરસ ફૂટથી વધીને ₹9,260 પ્રતિ ચોરસ ફૂટ થયા છે. બીજી તરફ, મકાન બનાવવાનો સરેરાશ ખર્ચ 34% વધ્યો છે.

ઘરનો ભાવ વધ્યો, પણ બાંધકામ એટલું મોંઘું નથી થયું

ANAROCK મુજબ 2021માં સ્ટાન્ડર્ડ-પ્લસ રહેણાંક પ્રોજેક્ટનો સરેરાશ કન્સ્ટ્રક્શન ખર્ચ ₹2,681 પ્રતિ ચોરસ ફૂટ હતો, જે 2025માં વધીને ₹3,604 થયો. એટલે કે ચાર વર્ષના અંતરમાં બાંધકામ ખર્ચમાં 34%નો વધારો થયો. તેની સામે રહેણાંક મિલકતના મૂલ્યમાં 59%નો ઉછાળો આવ્યો છે. ભાવમાં વાર્ષિક સરેરાશ વૃદ્ધિ લગભગ 12% રહી, જ્યારે કન્સ્ટ્રક્શન ખર્ચનો CAGR 6.9% રહ્યો.

જમીન બની ઘર મોંઘું થવાનું મોટું કારણ

ઘરની કિંમત વધવા પાછળ માત્ર સિમેન્ટ, સ્ટીલ કે મજૂરી જવાબદાર નથી. જમીનના ભાવમાં થયેલો મોટો વધારો પણ રહેણાંક મિલકતોને મોંઘી બનાવે છે. ANAROCKના જણાવ્યા મુજબ ટોચના 7 શહેરોમાં 2021થી H1 2026 વચ્ચે જમીનના ભાવમાં અંદાજે 50%થી 120% સુધીનો વધારો થયો છે. દિલ્હી-NCRમાં જમીનના ભાવમાં 70%થી 130% અને બેંગલુરુમાં 60%થી 120% સુધીનો ઉછાળો નોંધાયો છે.

યુદ્ધથી કન્સ્ટ્રક્શન ખર્ચ પર પણ દબાણ

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવની અસર પણ બાંધકામ ક્ષેત્ર પર પડી રહી છે. ANAROCKના જણાવ્યા મુજબ સ્ટીલ, ઈંધણ આધારિત લોજિસ્ટિક્સ, આયાતી ફિનિશિંગ મટિરિયલ્સ અને MEP ખર્ચમાં વધારો થયો છે, જેના કારણે એકંદર કન્સ્ટ્રક્શન ખર્ચ પર અંદાજે 8થી 10%નું વધારાનું દબાણ આવ્યું છે. સ્ટીલ અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં વધારો થવાથી તેની અસર આખરે પ્રોજેક્ટની કુલ કિંમત પર પડી શકે છે.

ઘર ખરીદનાર માટે શું અર્થ?

આ આંકડાઓનો સીધો અર્થ એ છે કે મોટા શહેરોમાં ઘર ખરીદનારને હવે વધુ મોટું બજેટ રાખવું પડી શકે છે. ANAROCKના વિશ્લેષણ મુજબ 2021થી 2025 વચ્ચે રહેણાંક ભાવવધારામાં લગભગ 66% હિસ્સો construction expenses સાથે જોડાયેલો હતો, જ્યારે બાકીના 34%માં જમીનના ભાવ, developer margins અને demand-supply જેવા પરિબળો સામેલ છે. એટલે ઘર ખરીદવાનું આયોજન હોય તો માત્ર આજના ભાવ નહીં, પરંતુ લોકેશન, જમીનની કિંમત, પ્રોજેક્ટની ગુણવત્તા અને કુલ ખરીદી ખર્ચને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવો મહત્વપૂર્ણ બની જાય છે.