ભગવાન માટે ભક્તિ જ સર્વોપરી
16 જુલાઈ 2026થી ઓડિશાના પુરી અને ગુજરાતના અમદાવાદમાં વિશ્વપ્રસિદ્ધ ભગવાન જગન્નાથની રથયાત્રા ભવ્ય રીતે શરૂ થઈ રહી છે. ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના દર્શન માટે લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ રથયાત્રા સાથે અનેક લોકમાન્યતાઓ જોડાયેલી છે, જેમાં મુસ્લિમ ભક્ત સાલબેગની કથા આજે પણ વિશેષ આસ્થા ધરાવે છે.
સાલબેગની સમાધિ પાસે કેમ થંભે છે રથ?
લોકમાન્યતા અનુસાર, એક વખત ભગવાન જગન્નાથનો રથ શ્રીમંદિરથી ગુંડીચા મંદિર તરફ જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં અચાનક થંભી ગયો હતો. હજારો લોકોના પ્રયાસો છતાં રથ આગળ વધ્યો નહીં. ત્યારે એક વૃદ્ધ ભક્તે સૌનું ધ્યાન નજીક આવેલી ભક્ત સાલબેગની સમાધિ તરફ દોર્યું. ત્યારબાદ શ્રદ્ધાળુઓએ ભગવાન જગન્નાથ સાથે 'જય ભક્ત સાલબેગ'ના જયઘોષ કર્યા અને માન્યતા મુજબ રથ ફરી આગળ વધ્યો. ત્યારથી દર વર્ષે રથયાત્રા દરમિયાન અહીં થોડા સમય માટે રથ રોકાતો હોવાની પરંપરા ચાલે છે.
કોણ હતા ભક્ત સાલબેગ?
સાલબેગનો જન્મ મુઘલકાળ દરમિયાન થયો હતો. તેમના પિતા મુસ્લિમ અને માતા હિન્દુ હતા. યુદ્ધમાં ગંભીર રીતે ઘાયલ થયા બાદ માતાની પ્રેરણાથી તેમણે ભગવાન જગન્નાથની ભક્તિ શરૂ કરી હતી. પુરી પહોંચ્યા છતાં મુસ્લિમ હોવાના કારણે તેમને શ્રીમંદિરમાં પ્રવેશ મળ્યો નહોતો. તેમ છતાં તેઓ મંદિરની બહાર રહી સતત ભગવાનનું ભજન કરતા રહ્યા. તેમની અખંડ ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાને તેમને આશીર્વાદ આપ્યો હોવાની લોકમાન્યતા છે.
ભક્તિ ધર્મથી મોટી હોવાનો સંદેશ
ભક્ત સાલબેગની કથા એ સંદેશ આપે છે કે ભગવાન માટે વ્યક્તિનો ધર્મ, જાતિ કે જન્મ નહીં પરંતુ નિષ્કપટ ભક્તિ સૌથી મહત્વપૂર્ણ છે. આ કારણસર આજે પણ પુરીની રથયાત્રામાં સાલબેગની સમાધિ પાસે રથ રોકાતો હોવાની પરંપરા કરોડો શ્રદ્ધાળુઓ માટે આસ્થા અને સમરસતાનું પ્રતિક માનવામાં આવે છે.
નોંધ: ભક્ત સાલબેગની સમાધિ પર રથ રોકાવાની ઘટના અને તેના પાછળની વિગતો મુખ્યત્વે લોકમાન્યતાઓ અને પરંપરાગત ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે.

