ભારે સામાનની ઝંઝટથી મુસાફરોને મોટી રાહત
રેલવે મુસાફરો માટે સામાનની ચિંતા ઓછી કરતી નવી ડિજિટલ સુવિધા શરૂ કરવામાં આવી છે. ઉત્તર રેલવેના દિલ્હી ડિવિઝને નવી દિલ્હી અને હઝરત નિઝામુદ્દીન રેલવે સ્ટેશન પર OTP આધારિત ડિજિટલ લગેજ લોકર સેવા શરૂ કરી છે. આ સુવિધા ખાસ કરીને લાંબા સમય સુધી ટ્રેનની રાહ જોતા, કનેક્ટિંગ ટ્રેન પકડતા અથવા થોડા કલાકો માટે શહેરમાં ફરવા જતા મુસાફરો માટે ઉપયોગી બની શકે છે.
મોબાઈલ નંબર અને OTPથી લોકર બુક થશે
ડિજિટલ લોકરનો ઉપયોગ કરવા માટે મુસાફરે લોકર પાસેના મોનિટર પર મોબાઈલ નંબર દાખલ કરીને OTP વેરિફિકેશન કરવાનું રહેશે. ત્યારબાદ સામાનના કદ પ્રમાણે લોકર પસંદ કરી કેટલા સમય માટે રાખવું છે તે નક્કી કરી શકાશે. પેમેન્ટ પણ Google Pay, PhonePe, Paytm સહિતના ડિજિટલ માધ્યમથી કરી શકાય છે.
સામાન પાછો લેવાની પ્રક્રિયા પણ સરળ
સામાન પરત મેળવતી વખતે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર દાખલ કરી ફરીથી OTP વેરિફિકેશન કરવાનું રહેશે. ત્યારબાદ સ્ક્રીન પર ‘Release’ વિકલ્પ પસંદ કરતાં લોકર ખુલશે અને મુસાફર પોતાનો સામાન બહાર કાઢી શકશે. એટલે લોકરનો ઉપયોગ કરવા માટે રેલવે સ્ટાફ પર નિર્ભર રહેવાની જરૂર નહીં પડે.
હાલ બે સ્ટેશન પર સેવા શરૂ
નવી દિલ્હી સ્ટેશન પર ડિજિટલ લગેજ લોકર પ્લેટફોર્મ નંબર 16 પાસેના મેઇન હોલમાં, ડિજિટલ ડિસ્પ્લે બોર્ડની નીચે ઉપલબ્ધ છે. હઝરત નિઝામુદ્દીન સ્ટેશન પર મુખ્ય પ્રવેશદ્વાર પાસે સીડીઓની બાજુમાં લોકર મૂકવામાં આવ્યા છે. બંને સ્ટેશનો પર સેવા 24 કલાક અને અઠવાડિયાના સાતેય દિવસ ઉપલબ્ધ રહેશે.
અન્ય બે સ્ટેશન પર પણ ટૂંક સમયમાં સુવિધા
ઉત્તર રેલવે મુજબ દિલ્હી જંક્શન અને આનંદ વિહાર ટર્મિનલ પર પણ આ ડિજિટલ લગેજ લોકર સેવા શરૂ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. અલગ-અલગ કદના લોકર ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે, જેથી મુસાફરો પોતાના સામાનના કદ પ્રમાણે વિકલ્પ પસંદ કરી શકે.

