રમત-રમતમાં ગળી સેફ્ટીપિન

સુરતના ભેસ્તાનમાંથી માતા-પિતા માટે લાલબત્તી સમાન ઘટના સામે આવી છે. રમતાં-રમતાં દોઢ વર્ષના બાળકે 2 સેમીની ખુલ્લી સેફ્ટીપિન ગળી લેતા પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો. સેફ્ટીપિન અન્નનળીમાં ફસાઈ જતા બાળકને સતત ઊલટીઓ થવા લાગી હતી.

અન્નનળીમાં ફસાઈ પિન

બાળકે ગળેલી સેફ્ટીપિન ખુલ્લી હોવાથી સ્થિતિ ગંભીર બની હતી. બાળકની તબિયત બગડતાં તેને તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતું. ENT વિભાગના તબીબોએ તપાસ બાદ તાત્કાલિક સારવાર શરૂ કરી હતી.

45 મિનિટમાં પિન બહાર

તબીબોએ કોઈપણ પ્રકારની કાપકૂપ કર્યા વિના દૂરબીન ટેકનિકથી સેફ્ટીપિન બહાર કાઢી લીધી હતી. માત્ર 45 મિનિટમાં તબીબોએ સફળતાપૂર્વક પિન બહાર કાઢી બાળકને મોટી મુશ્કેલીમાંથી બચાવી લીધું હતું.

સિવિલમાં વિનામૂલ્યે સારવાર

મળતી માહિતી મુજબ, ખાનગી હોસ્પિટલમાં આ પ્રકારની સર્જરી પાછળ અંદાજે 50થી 60 હજાર રૂપિયાનો ખર્ચ થઈ શકે છે, જ્યારે સિવિલ હોસ્પિટલમાં સારવાર વિનામૂલ્યે કરવામાં આવી હતી. બાળકની માતાએ તબીબો અને હોસ્પિટલ તંત્રનો આભાર માન્યો છે.

વાલીઓ માટે લાલબત્તી

હાલ બાળકની તબિયત સ્વસ્થ હોવાનું જણાવાયું છે. જોકે, આ ઘટના નાના બાળકોના માતા-પિતા માટે મહત્વપૂર્ણ ચેતવણી છે. બાળકો રમતાં સમયે શું મોઢામાં મૂકે છે તેના પર સતત નજર રાખવી જરૂરી છે.