નેપાળમાં કુદરતનો કહેર
નેપાળના તિબેટ સરહદે આવેલા રસુવા જિલ્લામાં ભોટે કોશી નદીમાં અચાનક આવેલા વિનાશક પૂરે ભારે તબાહી મચાવી છે. પૂરનાં ધસમસતાં પાણીમાં રસ્તા, પુલ, મકાનો અને વાહનો તણાઈ ગયા છે. આ વિનાશ વચ્ચે 105 ભારતીય પ્રવાસીઓ સહિત 384 લોકો લાપતા હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.
105 ભારતીયોનો સંપર્ક તૂટ્યો
નેપાળ પ્રવાસન બોર્ડની પ્રાથમિક માહિતી પ્રમાણે લાપતા 384 પ્રવાસીઓમાં 291 વિદેશી અને 93 નેપાળી નાગરિકો છે. વિદેશી પ્રવાસીઓમાં 105 ભારતીયો ઉપરાંત 37 NRI તથા અમેરિકા, મલેશિયા, બ્રિટન, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને નેધરલેન્ડ્સના નાગરિકો સામેલ છે. માહિતીની હજુ પણ ચકાસણી ચાલી રહી છે.
માનસરોવર યાત્રાળુઓ પણ ફસાયા
લાપતા ભારતીયોમાં કૈલાસ માનસરોવર યાત્રા પર જઈ રહેલા ઓછામાં ઓછા 59 યાત્રાળુઓ હોવાની માહિતી સામે આવી છે. આ યાત્રાળુઓ તિબેટ તરફ જવાના માર્ગે નેપાળમાંથી પસાર થઈ રહ્યા હતા. શરૂઆતના કેટલાક અહેવાલોમાં 31નો આંકડો હતો, પરંતુ બાદના અહેવાલોમાં 59 ભારતીય માનસરોવર યાત્રાળુઓનો ઉલ્લેખ થયો છે.
ભોટે કોશી નદીના પૂરે વિનાશ વેર્યો
પૂરનું પાણી તિબેટ તરફથી ભોટે કોશી નદીમાં આવ્યું અને રસુવા સહિતના વિસ્તારોમાં ભારે નુકસાન થયું. અનેક રસ્તાઓ અને પુલોને નુકસાન પહોંચ્યું છે, જ્યારે હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સ પણ પ્રભાવિત થયા છે. બચાવ કામગીરી માટે નેપાળની સેના અને અન્ય સુરક્ષા એજન્સીઓને કામે લગાડવામાં આવી છે.
ભારતીયો માટે હેલ્પલાઇન જાહેર
લાપતા ભારતીયોના પરિવારજનો અને અસરગ્રસ્ત લોકો માટે ભારતીય દૂતાવાસે +977 985 131 6807 અને +977 970 910 7500 નંબર જાહેર કર્યા છે. નેપાળ પ્રવાસન બોર્ડે પણ 1144 હેલ્પલાઇન તથા ટૂરિસ્ટ પોલીસનો નંબર 9851289445 જાહેર કર્યો છે. બચાવ અને સંપર્ક સ્થાપિત કરવાની કામગીરી સતત ચાલી રહી છે.

