UNની ગંભીર ચેતવણી
સમુદ્રનું જળસ્તર સતત વધી રહ્યું છે અને તેની અસર હવે દુનિયાના મોટા દરિયાકાંઠાના શહેરો પર સ્પષ્ટ દેખાઈ રહી છે. UNની 31 ઓગસ્ટ 2026ની તાજી માહિતી મુજબ મુંબઈ, કોલકાતા અને ઢાકામાં 1.4 કરોડથી વધુ લોકો પોતાના ઘર, રોજગાર અને જીવન ગુમાવવાના જોખમમાં છે.
મુંબઈ-કોલકાતા પણ હાઈ રિસ્ક ઝોનમાં
UNએ દક્ષિણ એશિયાના નીચાણવાળા શહેરોમાં મુંબઈ અને કોલકાતાને ખાસ જોખમ ધરાવતા શહેરો તરીકે ગણાવ્યા છે. સમુદ્રનું સ્તર વધવાથી દરિયાકાંઠાના વિસ્તારોમાં પૂર, જમીનનું ધોવાણ અને માળખાકીય સુવિધાઓને નુકસાનનું જોખમ વધે છે.
ગ્લોબલ વોર્મિંગ મુખ્ય કારણ
માનવસર્જિત ગ્લોબલ વોર્મિંગને સમુદ્રના વધતા જળસ્તરનું મુખ્ય કારણ માનવામાં આવે છે. બરફની ચાદરો અને ગ્લેશિયર્સમાંથી બરફનું નુકસાન તથા મહાસાગરોના ગરમ થવાથી દરિયાનું સ્તર વધી રહ્યું છે. UN મુજબ 2014થી 2023 દરમિયાન વૈશ્વિક સમુદ્રનું સરેરાશ સ્તર દર વર્ષે 4.7 મિલીમીટર વધ્યું હતું.
77 કરોડ લોકો માટે મોટો ખતરો
વિશ્વભરમાં આશરે 10 ટકા વસ્તી એટલે કે 77 કરોડ લોકો એવા દરિયાકાંઠાના વિસ્તારોમાં રહે છે જે હાઈ ટાઈડ લાઈનથી 5 મીટરથી ઓછી ઊંચાઈ પર છે. દરિયાઈ જળસ્તર વધતું જશે તેમ આ વિસ્તારોમાં રહેતા લોકો માટે પૂર અને સ્થળાંતરનું જોખમ વધી શકે છે.
દરિયાઈ પૂર સામેનું આયોજન
UNનું કહેવું છે કે દરિયાના સ્તરમાં થોડો વધારો હવે અટકાવી શકાય તેમ નથી, પરંતુ ભવિષ્યમાં કેટલો વધારો થશે તે ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં કેટલો ઘટાડો કરવામાં આવે છે તેના પર નિર્ભર રહેશે. એટલે મુંબઈ અને કોલકાતા જેવા શહેરો માટે હવે દરિયાઈ પૂર સામેનું આયોજન અને અનુકૂલન વધુ મહત્વનું બની રહ્યું છે.

