બુલેટ ટ્રેન મુદ્દે નવો વિવાદ

ભારતની પ્રથમ મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પરિયોજના ફરી ચર્ચામાં આવી છે. જાપાનના પૂર્વ ન્યાય મંત્રી હિદેકી માકિહારાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દાવો કર્યો છે કે પ્રોજેક્ટમાં થયેલા વિલંબ માટે ભારતીય અધિકારીઓ અને તત્કાલીન રાજકીય નેતૃત્વ જવાબદાર છે. જોકે ભારત સરકારે આ દાવાઓને વ્યક્તિગત અભિપ્રાય ગણાવીને ફગાવી દીધા છે.

પૂર્વ જાપાની મંત્રીના ગંભીર આરોપ

15 જુલાઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કરેલી પોસ્ટમાં માકિહારાએ જણાવ્યું કે તેઓ શિંકાનસેન પ્રોજેક્ટ સાથે સીધા જોડાયેલા રહ્યા હતા. તેમના મુજબ ભારતીય અધિકારીઓએ અનેક વખત આપેલા વચનોનું પાલન કર્યું નહોતું અને ચર્ચાઓ દરમિયાન પોતાનાં હિતોને વધુ મહત્વ આપ્યું હતું. તેમણે એવો પણ દાવો કર્યો કે ટોચના સ્તરે સહકારના અભાવે પ્રોજેક્ટ સમયસર આગળ વધી શક્યો નહીં.

Screenshot 2026-07-18 011253.png

જાપાની એન્જિનિયરના લેખથી ચર્ચા તેજ

આ વિવાદ જાપાનના સીનિયર રેલવે એન્જિનિયર ઇસાઓ સુજીમુરાના લેખ બાદ વધુ ચર્ચામાં આવ્યો છે. તેમણે લખ્યું હતું કે 2023 સુધીમાં બુલેટ ટ્રેન શરૂ કરવાનો લક્ષ્યાંક વાસ્તવિક નહોતો અને ભારતીય અધિકારીઓને પણ તેની જાણ હતી. જોકે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ પ્રોજેક્ટ સાથે વ્યાવસાયિક રીતે જોડાયેલા નથી, પરંતુ તેની પ્રગતિ પર સતત નજર રાખી રહ્યા છે.

ભારત સરકારે શું કહ્યું?

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પ્રેસ બ્રીફિંગમાં કહ્યું કે પૂર્વ જાપાની મંત્રીની પોસ્ટ વ્યક્તિગત અભિપ્રાય છે અને તે તથ્યોથી મેળ ખાતી નથી. તેમણે જણાવ્યું કે ભારત અને જાપાન વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈને સહયોગ અગાઉની જેમ જ મજબૂત છે અને કામગીરી આયોજન મુજબ આગળ વધી રહી છે.

હાલ ક્યાં સુધી પહોંચ્યો પ્રોજેક્ટ?

508 કિલોમીટર લાંબો મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોર દેશની પ્રથમ બુલેટ ટ્રેન યોજના છે. ટ્રેનની મહત્તમ ઝડપ 320 કિમી પ્રતિ કલાક રહેશે, જેના કારણે મુંબઈ અને અમદાવાદ વચ્ચેનો મુસાફરી સમય લગભગ 8 કલાકથી ઘટીને આશરે 2 કલાક થઈ જશે. હાલ પુલો, ટનલ અને સ્ટેશનોનું નિર્માણ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. પ્રથમ તબક્કામાં સુરત-બિલીમોરા સેક્શન પર 15 ઑગસ્ટ 2027થી તબક્કાવાર સેવા શરૂ કરવાની યોજના છે.