મુર્શિદાબાદમાં લાઉડસ્પીકર મુદ્દે વિવાદ
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં મસ્જિદોમાંથી અઝાન માટે વપરાતા લાઉડસ્પીકર હટાવવાના મુદ્દે રાજકીય અને સામાજિક ચર્ચા તેજ બની છે. આ મુદ્દે બહેરામપુરના સાંસદ અને પૂર્વ ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણ સહિત ત્રણ સાંસદોએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળીને તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે.
ત્રણ સાંસદોએ શું રજૂઆત કરી?
યુસુફ પઠાણ, અબુ તાહેર ખાન અને ખલીલુર રહેમાને ગૃહ મંત્રાલયને સંયુક્ત આવેદનપત્ર આપીને જણાવ્યું કે તેઓ સુપ્રીમ કોર્ટ અને ધ્વનિ પ્રદૂષણ સંબંધિત નિયમોનું સંપૂર્ણ પાલન કરવા સમર્થક છે. જોકે, તેમનો આગ્રહ છે કે કાયદાનો અમલ ન્યાયી, પારદર્શક અને ધાર્મિક લાગણીઓનું સન્માન રાખીને કરવામાં આવે.
પોલીસનું શું કહેવું છે?
સ્થાનિક સ્તરે કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે મસ્જિદોના લાઉડસ્પીકરો દૂર કરાવવામાં આવી રહ્યા છે. જોકે પશ્ચિમ બંગાળ પોલીસે સ્પષ્ટતા કરી છે કે કાર્યવાહી કોઈ એક સમુદાયને ધ્યાનમાં રાખીને કરવામાં આવી નથી. પોલીસના જણાવ્યા મુજબ સુપ્રીમ કોર્ટ અને NGTના ધ્વનિ પ્રદૂષણ સંબંધિત નિયમો તમામ ધાર્મિક સ્થળો પર સમાન રીતે લાગુ કરવામાં આવી રહ્યા છે.
NDAથી અંતર અને મતદાર યાદીનો મુદ્દો પણ ઉઠાવ્યો
ત્રણેય સાંસદોએ તાજેતરમાં NDAની બેઠકોમાંથી પોતાને દૂર રાખવાનો નિર્ણય પણ જાહેર કર્યો હતો. સાથે જ તેમણે મતદાર યાદીમાંથી મોટી સંખ્યામાં નામ દૂર કરવાના મુદ્દે પણ ચિંતા વ્યક્ત કરી. તેમના જણાવ્યા મુજબ, ઘણા લોકોના કેસો હજુ ટ્રિબ્યુનલમાં પેન્ડિંગ છે, જેના કારણે સરકારી સેવાઓ અને અન્ય કામોમાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. સાંસદોએ આવા તમામ કેસોનો ઝડપી ઉકેલ લાવવાની માંગ કરી છે.

