નેટફ્લિક્સના રિયાલિટી શો 'લોક અપ 2'માં સતત સ્પર્ધકોના વ્યક્તિગત જીવન સાથે જોડાયેલા ખુલાસાઓ સામે આવી રહ્યા છે. આ દરમિયાન અભિનેત્રી આકાંક્ષા ચમોલા ફરી એકવાર ચર્ચામાં આવી છે. તાજેતરના એપિસોડમાં તેણે જાહેરમાં સ્વીકાર્યું કે તે બાયસેક્સ્યુઅલ છે.

એલિમિનેશન રાઉન્ડ દરમિયાન હોસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું કે સ્પર્ધક શ્રેયા કાલરાએ આકાંક્ષાનું આ રહસ્ય જાહેર કર્યું છે. ત્યારબાદ આકાંક્ષાને આ દાવા અંગે પૂછવામાં આવ્યું, જેના જવાબમાં તેણે કહ્યું કે, "હા, હું બાયસેક્સ્યુઅલ છું અને આ મારું રહસ્ય હતું." આ વાત કહેતી વખતે તે ભાવુક થઈ ગઈ હતી.

આકાંક્ષાએ વધુમાં જણાવ્યું કે લગ્ન પહેલાં તેના કેટલાક છોકરીઓ સાથે પણ સંબંધ રહ્યા હતા. તેના જણાવ્યા મુજબ, તેને મહિલાઓ પ્રત્યે આકર્ષણ અનુભવાય છે અને તેમની સાથે વધુ સુરક્ષિત તથા ખુલ્લું અનુભવે છે. જોકે તેણે સ્પષ્ટ કર્યું કે તે સંબંધો ખૂબ જ ઇન્ટીમેટ નહોતા.

પોતાના ખુલાસા બાદ આકાંક્ષા ભાવુક થઈને રડી પડી હતી. તેણે કહ્યું કે શરૂઆતથી જ તેના વિશે એક પછી એક રહસ્યો સામે આવી રહ્યા છે અને કદાચ તેને આ શોમાં આવવું ન જોઈએ હતું. તેણે એ પણ ઉમેર્યું કે 'બાયસેક્સ્યુઅલ' માત્ર સમાજ દ્વારા અપાયેલું એક ટેગ છે, જ્યારે તેના માટે પ્રેમ માત્ર પ્રેમ છે. આ ખુલાસા બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા તેજ બની છે. જોકે, તેના પતિ Gaurav Khanna તરફથી આ મામલે હજુ સુધી કોઈ જાહેર પ્રતિક્રિયા સામે આવી નથી.


