લાલ કિલ્લા પર ઐતિહાસિક ક્ષણ

નવી દિલ્હી: 80મા સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લાની પ્રાચીર પરથી ‘વંદે માતરમ્’નું પ્રથમવાર સત્તાવાર ઔપચારિક ગાન કરવામાં આવ્યું. 15 ઓગસ્ટ 2026ના મુખ્ય રાષ્ટ્રીય સમારોહમાં થયેલા આ ગાનને ઐતિહાસિક ક્ષણ તરીકે જોવામાં આવી રહ્યું છે. આ વર્ષે રાષ્ટ્રગીત ‘વંદે માતરમ્’ના 150 વર્ષ પૂર્ણ થવાનો પ્રસંગ પણ છે.

પહેલાં શું હતું નિયમ?

લાલ કિલ્લા પર યોજાતા સ્વતંત્રતા દિવસના મુખ્ય સરકારી કાર્યક્રમમાં ‘જન ગણ મન’ને રાષ્ટ્રગાન તરીકે સત્તાવાર પ્રોટોકોલમાં વિશેષ સ્થાન મળતું હતું. ‘વંદે માતરમ્’ને રાષ્ટ્રીય ગીતનો દરજ્જો હોવા છતાં તેના માટે 1971ના Prevention of Insults to National Honour Act હેઠળ રાષ્ટ્રગાન જેવી સ્પષ્ટ કાયદાકીય સુરક્ષા નહોતી.

2026માં કાયદામાં મોટો ફેરફાર

આ સ્થિતિમાં 2026માં મોટો કાયદાકીય ફેરફાર થયો. Prevention of Insults to National Honour (Amendment) Bill, 2026 દ્વારા ‘વંદે માતરમ્’ને પણ કાયદાકીય સુરક્ષાના દાયરામાં લાવવામાં આવ્યું. સંસદે જુલાઈમાં બિલ પસાર કર્યું અને તેમાં રાષ્ટ્રગાનની જેમ રાષ્ટ્રીય ગીતના ગાનમાં જાણપૂર્વક અવરોધ અથવા વિક્ષેપને દંડનીય બનાવવાની જોગવાઈ કરવામાં આવી.

3 વર્ષ સુધીની સજાની જોગવાઈ

સુધારા હેઠળ ‘વંદે માતરમ્’ના ગાનને જાણપૂર્વક અટકાવવું અથવા ગાન કરી રહેલા સમૂહમાં વિક્ષેપ ઊભો કરવો દંડનીય બની શકે છે. આ માટે ત્રણ વર્ષ સુધીની કેદ, દંડ અથવા બંનેની જોગવાઈ છે.

તો આ વર્ષે જ કેમ ગવાયું?

2026માં એક તરફ ‘વંદે માતરમ્’ના 150 વર્ષ પૂર્ણ થયા, તો બીજી તરફ તેને કાયદાકીય સુરક્ષા આપતો સુધારો થયો. આ પૃષ્ઠભૂમિમાં કેન્દ્ર સરકારે આ વર્ષે સ્વતંત્રતા દિવસના મુખ્ય સમારોહમાં તેને સત્તાવાર રીતે સામેલ કરવાનો નિર્ણય લીધો. પરિણામે 15 ઓગસ્ટ 2026ના રોજ લાલ કિલ્લા પરથી પ્રથમવાર તેનું ઔપચારિક ગાન થયું.

‘વંદે માતરમ્’ અને ‘જન ગણ મન’ વચ્ચે શું તફાવત?

ભારતમાં ‘જન ગણ મન’ રાષ્ટ્રગાન છે, જ્યારે ‘વંદે માતરમ્’ રાષ્ટ્રીય ગીત છે. બંનેને રાષ્ટ્રીય મહત્વ પ્રાપ્ત છે, પરંતુ લાંબા સમય સુધી કાયદાકીય જોગવાઈઓમાં બંને માટે સમાન સ્પષ્ટ સુરક્ષા નહોતી. 2026ના સુધારા બાદ ‘વંદે માતરમ્’ને પણ આ કાયદાકીય સુરક્ષાના દાયરામાં લાવવામાં આવ્યું છે