કેનેડા જતાં વિદ્યાર્થીઓ માટે મહત્વની ચેતવણી

કેનેડામાં ઉચ્ચ શિક્ષણ માટે જતા અને ત્યાં અભ્યાસની સાથે પાર્ટ-ટાઇમ નોકરી કરતા હજારો ભારતીય વિદ્યાર્થીઓ માટે ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા (IRCC)એ મહત્વપૂર્ણ એડવાઇઝરી જાહેર કરી છે. એજન્સીએ સ્પષ્ટ કર્યું છે કે સ્ટડી પરમિટમાં દર્શાવેલી શરતોનું પાલન કર્યા વગર કરવામાં આવતું કામ ભવિષ્યમાં ગંભીર ઇમિગ્રેશન મુશ્કેલીઓ ઊભી કરી શકે છે.

24 કલાકથી વધુ કામ નહીં

IRCCના જણાવ્યા મુજબ, જે વિદ્યાર્થીઓને કેમ્પસની બહાર કામ કરવાની મંજૂરી છે તેઓ અભ્યાસ દરમિયાન અઠવાડિયામાં વધુમાં વધુ 24 કલાક જ કામ કરી શકે છે. આ મર્યાદા કરતાં વધુ કલાક કામ કરવું સ્ટડી પરમિટની શરતોનું ઉલ્લંઘન ગણાશે. નિયમોનો ભંગ કરનાર વિદ્યાર્થીઓને ભવિષ્યમાં વિઝા, વર્ક પરમિટ અથવા અન્ય ઇમિગ્રેશન અરજીઓમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

PGWP મુદ્દે પણ વધ્યો વિવાદ

તાજેતરમાં કેનેડામાં અભ્યાસ પૂર્ણ કરનારા અનેક ભારતીય વિદ્યાર્થીઓને પોસ્ટ-ગ્રેજ્યુએટ વર્ક પરમિટ (PGWP) નકારવામાં આવી હતી. કારણ તરીકે કેટલાક અભ્યાસક્રમો PGWP માટે લાયક ન હોવાનું જણાવાયું હતું. આ મુદ્દે વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પણ નોંધાવવામાં આવ્યો હતો અને કેટલીક શૈક્ષણિક સંસ્થાઓએ IRCC પાસેથી વધુ સ્પષ્ટતા માંગવાની પ્રક્રિયા શરૂ કરી છે.

નિયમોનું પાલન કરવું જરૂરી

IRCCએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પણ વિદ્યાર્થીઓને યાદ અપાવ્યું છે કે તેઓ માત્ર પોતાની સ્ટડી પરમિટમાં દર્શાવેલી શરતો મુજબ જ કામ કરી શકે છે. પરવાનગી વગર અથવા નક્કી કરેલી મર્યાદા કરતાં વધુ કલાક કામ કરવું ઇમિગ્રેશન કાયદાનું ઉલ્લંઘન ગણાશે. ગંભીર કિસ્સાઓમાં વિઝા નકારવા, વર્ક પરમિટ રદ થવા અથવા દેશનિકાલ જેવી કાર્યવાહી પણ થઈ શકે છે.

ભારતીય વિદ્યાર્થીઓ માટે કેમ મહત્વપૂર્ણ?

આગામી ફોલ ઇન્ટેક દરમિયાન હજારો ભારતીય વિદ્યાર્થીઓ કેનેડા જવાના છે. આવા વિદ્યાર્થીઓએ પાર્ટ-ટાઇમ નોકરી શરૂ કરતા પહેલાં પોતાની સ્ટડી પરમિટની તમામ શરતો ધ્યાનથી વાંચવી જોઈએ અને IRCCના નિયમોનું સંપૂર્ણ પાલન કરવું જોઈએ, જેથી ભવિષ્યમાં PR, વર્ક પરમિટ અથવા અન્ય ઇમિગ્રેશન પ્રક્રિયામાં કોઈ અડચણ ન આવે.