વિવાદ બાદ કંગનાની સ્પષ્ટતા
ભાજપના સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત ફરી એકવાર પોતાના નિવેદનને લઈને ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર 'જનરેશન ગટર' ટિપ્પણીને લઈને ઉઠેલા વિરોધ બાદ કંગનાએ ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને કહ્યું કે તેમના શબ્દોને ખોટા અર્થમાં રજૂ કરવામાં આવ્યા છે અને તેમની વાતનો હેતુ સમાજમાં શિસ્ત અને મર્યાદા અંગે જાગૃતિ લાવવાનો હતો.
PM મોદી અંગે શું કહ્યું?
વીડિયોમાં કંગનાએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કેટલાક બાળકો પોતાના 'એક્ઝામ બડી' તરીકે જુએ છે, ઘણા લોકો તેમને પોતાના નેતા માને છે અને કેટલાક લોકો ભગવાન સમાન માને છે. તેથી જાહેર જીવનમાં કોઈની લાગણીઓને ઠેસ ન પહોંચે તે રીતે ભાષાનો ઉપયોગ કરવો જોઈએ અને સૌએ એકબીજાનું સન્માન કરવું જોઈએ.
મીડિયા અને ફેમિનિઝમ પર નિશાન
કંગનાએ આરોપ લગાવ્યો કે મીડિયાએ તેમના નિવેદનને તોડી-મરોડીને રજૂ કર્યું અને તેમના અન્ય સકારાત્મક સંદેશોને મહત્વ આપ્યું નહીં. સાથે જ તેમણે કેટલાક ફેમિનિસ્ટ વિચારો પર પણ સવાલ ઉઠાવતા કહ્યું કે સ્વતંત્રતા સાથે જવાબદારી અને સામાજિક મર્યાદા પણ એટલી જ જરૂરી છે.
વિવાદ કેવી રીતે શરૂ થયો?
તાજેતરમાં દિલ્હીના જંતર-મંતર ખાતે થયેલા વિદ્યાર્થી પ્રદર્શન બાદ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા કેટલાક વીડિયોની પ્રતિક્રિયામાં કંગનાએ 'જનરેશન ગટર' શબ્દપ્રયોગ કર્યો હતો. આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા શરૂ થઈ હતી. હવે કંગનાએ વીડિયો જાહેર કરીને પોતાની મનશા સ્પષ્ટ કરી છે. જોકે તેમના નિવેદનને લઈને રાજકીય અને સોશિયલ મીડિયા પર ચર્ચા યથાવત છે.

