કાચું સલાડ દરેક માટે ફાયદાકારક નથી

સલાડને પોષક તત્વોનો ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે અને રોજિંદા આહારમાં તેનો સમાવેશ કરવાની સલાહ આપવામાં આવે છે. જોકે દરેક વ્યક્તિ માટે કાચું સલાડ યોગ્ય હોય એવું જરૂરી નથી. કેટલીક શારીરિક પરિસ્થિતિમાં કાચા શાકભાજીનું સેવન પાચનતંત્ર પર વધારાનો ભાર મૂકી શકે છે અને અસ્વસ્થતા વધારી શકે છે.

IBS અને પાચન સમસ્યામાં રાખો ખાસ સાવધાની

જો કોઈ વ્યક્તિ ઇરિટેબલ બાઉલ સિન્ડ્રોમ (IBS) જેવી સમસ્યાથી પીડાતી હોય તો કાચું સલાડ ખાવાથી ગેસ, પેટમાં દુખાવો, પેટ ફૂલવું અને અસ્વસ્થતા વધી શકે છે. કાચા શાકભાજીમાં રહેલું વધુ ફાઇબર અને કેટલાક કુદરતી તત્વો સંવેદનશીલ આંતરડાને વધુ અસર કરી શકે છે.

નબળી રોગપ્રતિકારક શક્તિ અને પેટના ચેપમાં ટાળો

જેઓની રોગપ્રતિકારક શક્તિ નબળી હોય અથવા પેટમાં ચેપ હોય તેમણે કાચા સલાડનું સેવન ટાળવું જોઈએ. આવા સમયે પાચનતંત્ર સામાન્ય રીતે નબળું હોય છે, જેના કારણે કાચા શાકભાજી સરળતાથી પચતા નથી. પરિણામે એસિડિટી, પેટ ફૂલવું અથવા અન્ય પાચન સંબંધિત તકલીફો વધી શકે છે.

વરસાદની ઋતુ અને સર્જરી બાદ રાખો વધારાની કાળજી

ચોમાસા દરમિયાન શાકભાજીમાં બેક્ટેરિયાનો ખતરો વધે છે. સારી રીતે ધોવા છતાં કેટલાક સૂક્ષ્મજીવો રહી શકે છે, જ્યારે રાંધવાથી તેઓ મોટા ભાગે નાશ પામે છે. ઉપરાંત, જો તાજેતરમાં પેટ અથવા આંતરડાની સર્જરી થઈ હોય તો ડૉક્ટરની સલાહ વિના કાચું સલાડ ખાવું યોગ્ય નથી, કારણ કે પાચનતંત્રને સંપૂર્ણપણે સાજું થવામાં સમય લાગે છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી રિપોર્ટ્સ પર આધારિત છે. અમારી વેબસાઇટ ખબર અંતર આ પ્રકારની કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.