રથયાત્રા પૂર્વે ભક્તિમય માહોલ

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાના એક દિવસ પૂર્વે મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ પાવન અવસર પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન જગન્નાથને વિશેષ પ્રસાદ અર્પણ કરીને પોતાની વર્ષો જૂની પરંપરા જાળવી રાખી છે.

વિશેષ પ્રસાદમાં ઋતુફળ અને ડ્રાયફ્રૂટ્સનો સમાવેશ

વડાપ્રધાન દ્વારા મોકલાયેલા પ્રસાદમાં મગ, જાંબુ, કાકડી, કેરી, દાડમ, અખરોટ તથા વિવિધ પ્રકારના ડ્રાયફ્રૂટ્સનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પ્રસાદ મંદિર પહોંચાડવામાં આવ્યો અને ભગવાન જગન્નાથને વિધિવત ધરાવવામાં આવ્યો. દર વર્ષની જેમ આ વર્ષે પણ આ પરંપરાનું પાલન થતાં ભક્તોમાં આનંદની લાગણી જોવા મળી.

CM સમયથી ચાલી આવતી પરંપરા

નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી જ તેઓ દર વર્ષે રથયાત્રાના પાવન અવસરે ભગવાન જગન્નાથને પ્રસાદ ધરાવતા આવ્યા છે. વડાપ્રધાન બન્યા બાદ પણ તેમણે આ પરંપરા અવિરત ચાલુ રાખી છે, જે તેમની ભગવાન જગન્નાથ પ્રત્યેની શ્રદ્ધા અને આસ્થાનું પ્રતિક માનવામાં આવે છે.

13 વખત કરી ચૂક્યા છે પહિંદ વિધિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યાર સુધીમાં 13 વખત 'પહિંદ વિધિ' કરી ચૂક્યા છે. આ વિધિ દરમિયાન સોનાના સાવરણાથી ભગવાનના રથના માર્ગને સાફ કરવામાં આવે છે. રથયાત્રા સાથે જોડાયેલી આ પરંપરામાં સૌથી વધુ વખત પહિંદ વિધિ કરવાનો રેકોર્ડ પણ તેમના નામે નોંધાયેલો છે.