IRCTCનો દેશવ્યાપી સપાટો

રેલવેમાં મુસાફરી કરતા લોકો માટે મહત્વના સમાચાર છે. ટ્રેનો અને સ્ટેશનો પર મંજૂરી વગરનું પાણી અને ખાદ્યસામગ્રી વેચતા લોકો સામે IRCTCએ દેશવ્યાપી કાર્યવાહી શરૂ કરી છે. આ અભિયાન દરમિયાન 8,000થી વધુ બિનઅધિકૃત પાણીની બોટલો જપ્ત કરવામાં આવી છે.

QRT ટીમો દ્વારા અચાનક ચેકિંગ

મુસાફરોને સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત ભોજન-પાણી મળી રહે તે માટે IRCTC દ્વારા વિવિધ ઝોન અને રીજનમાં ક્વિક રિસ્પોન્સ ટીમ (QRT) સક્રિય કરવામાં આવી છે. ટીમો રેલવેના કોમર્શિયલ વિભાગ સાથે મળીને ટ્રેનો અને સ્ટેશનો પર અચાનક ચેકિંગ કરી રહી છે.

લખનૌમાં 5,241 બોટલો જપ્ત

લખનૌ રીજનમાં 28 જુલાઈથી 8 ઓગસ્ટ દરમિયાન 117 ટ્રેનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બિનઅધિકૃત બ્રાન્ડના પેકેજ્ડ પાણીની 5,241 બોટલો જપ્ત કરવામાં આવી હતી.

ચંદીગઢ રીજનમાં પણ મોટી કાર્યવાહી

ચંદીગઢ રીજનમાં અંબાલા, લુધિયાણા, અમૃતસર, કટરા અને જમ્મુ સહિતના સ્ટેશનો પર 51 ટ્રેનોનું ચેકિંગ કરાયું હતું. અહીંથી 3,108 બોટલો જપ્ત કરવામાં આવી હતી. આ ઉપરાંત મંજૂરી વગરની આઈસ્ક્રીમ, ફ્લેવર્ડ મિલ્ક અને અન્ય શંકાસ્પદ પીણાંના 13 કાર્ટન પણ જપ્ત કરાયા હતા.

ગુજરાતમાં પણ કાર્યવાહી

ગુજરાતમાં સાબરમતી BG રેલવે સ્ટેશન પર 9 ઓગસ્ટે ટ્રેન નંબર 19223 અને 19031નું ચેકિંગ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન ટ્રેનમાં અનધિકૃત પેકેજ્ડ પાણી અને છાશ લોડ કરતી વખતે કાર્યવાહી કરવામાં આવી હતી. સામાન જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

કેટરિંગ સંચાલકોને કડક ચેતવણી

IRCTCની ટીમો કેટરિંગ યુનિટ્સના લાયસન્સ, પરવાનગી, સ્વચ્છતા અને ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ્સ પણ ચકાસી રહી છે. મંજૂરી વગરના ખાદ્ય-પીણાંના વેચાણ અથવા સંગ્રહ સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે.