યુદ્ધે વધારી વૈશ્વિક ચિંતા

અમેરિકા અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ વધુ ગંભીર બનતા સમગ્ર મિડલ ઈસ્ટમાં યુદ્ધનું જોખમ વધી ગયું છે. અમેરિકાએ સતત સાતમી રાત્રે ઈરાનના લશ્કરી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા બાદ ઈરાને કુવૈત સહિત ખાડી ક્ષેત્રમાં અમેરિકાના સહયોગી દેશોને નિશાન બનાવી મિસાઇલ અને ડ્રોન હુમલા કર્યા હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાએ વૈશ્વિક સુરક્ષા અને ઊર્જા બજાર બંનેને અસર પહોંચાડી છે.

કુવૈતમાં એરપોર્ટ બંધ, પાણીની કટોકટી

ઈરાનના હુમલાના જોખમ વચ્ચે કુવૈત ઇન્ટરનેશનલ એરપોર્ટની કામગીરી તાત્કાલિક સ્થગિત કરવામાં આવી છે. ઉપરાંત, દરિયાના પાણીને પીવાલાયક બનાવતા ડીસેલિનેશન પ્લાન્ટને નુકસાન પહોંચતાં પાણી પુરવઠા પર ગંભીર અસર પડી છે. સતત બીજા દિવસે વોટર પ્લાન્ટ પર હુમલો થતાં નાગરિક સેવાઓ પર દબાણ વધ્યું છે.

ઈરાનના મોટા દાવા, સ્વતંત્ર પુષ્ટિ નથી

ઈરાનની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)એ દાવો કર્યો છે કે કુવૈતમાં આવેલા અમેરિકન સૈન્ય સપોર્ટ સેન્ટર 'કેમ્પ આરિફજાન', અલી અલ સાલેમ એર બેઝ તેમજ બહેરીન અને જોર્ડન સ્થિત અમેરિકન સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. ઈરાની મીડિયા અનુસાર કેટલાક અમેરિકન વિમાનો પણ નષ્ટ કરાયા હોવાનો દાવો છે. જોકે આ દાવાઓની સ્વતંત્ર પુષ્ટિ થઈ નથી.

ક્રૂડ ઓઇલમાં તેજી, વૈશ્વિક બજારમાં ચિંતા

હોર્મુઝ સ્ટ્રેટમાં વધેલા તણાવને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં 4 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો છે અને ભાવ એક મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા છે. વૈશ્વિક ઓઇલ સપ્લાય માટે મહત્વપૂર્ણ આ દરિયાઈ માર્ગમાં વધતી અનિશ્ચિતતાએ ઊર્જા બજારને અસર કરી છે.

UNએ વ્યક્ત કરી ગંભીર ચિંતા

અમેરિકન હુમલાથી ઈરાનના જાસ્ક વિસ્તારમાં વીજળી અને પાણીની સુવિધાઓને નુકસાન પહોંચતાં હજારો લોકો અસરગ્રસ્ત બન્યા હોવાનું જણાવાયું છે. બીજી તરફ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે નાગરિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર થતા હુમલાઓ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને બંને પક્ષોને સંયમ રાખવાની અપીલ કરી છે.