ઈંગ્લેન્ડ સામેની T20 શ્રેણીમાં ટીમ ઈન્ડિયાના 15 વર્ષીય યુવા ઓપનર વૈભવ સૂર્યવંશી સતત બીજી મેચમાં પણ મોટી ઈનિંગ રમવામાં સફળ રહ્યો નથી. ડેબ્યૂ મેચમાં તેણે 14 રન બનાવ્યા હતા, જ્યારે નોટિંગહામમાં રમાયેલી ત્રીજી T20માં માત્ર 5 બોલમાં 13 રનની ઝડપી ઈનિંગ બાદ તે આઉટ થયો હતો. જોકે, બંને ઈનિંગમાં તેણે આક્રમક બેટિંગની ઝલક જરૂર બતાવી છે.

વૈભવને સંજુ સેમસનની ગેરહાજરીમાં ઓપનિંગ કરવાની તક આપવામાં આવી હતી. પરંતુ સતત બે મેચમાં મોટી ઈનિંગ ન આવતા હવે તેના સ્થાનને લઈને ચર્ચા શરૂ થઈ છે. સોશિયલ મીડિયા પર ઘણા ચાહકો સંજુ સેમસનની વાપસીની માંગ કરી રહ્યા છે અને અનુભવી બેટ્સમેનને ફરી તક આપવાની માંગ ઉઠી રહી છે.

જોકે, હાલના સંકેતો મુજબ ટીમ મેનેજમેન્ટ યુવા ખેલાડી પર વિશ્વાસ જાળવી રાખવાના મૂડમાં છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં નવા ખેલાડીઓને પૂરતી તક આપવાની ટીમની નીતિને જોતા વૈભવને આગામી મેચમાં પણ ઓપનિંગ કરવાની તક મળવાની શક્યતા વધુ માનવામાં આવી રહી છે.

બીજી તરફ મિડલ ઓર્ડરમાં તિલક વર્મા પણ સતત પ્રભાવ પાડી શક્યો નથી. જો ટીમ મેનેજમેન્ટ પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરવાનો નિર્ણય લે તો સંજુ સેમસનને ઓપનિંગ નહીં પરંતુ મિડલ ઓર્ડરમાં સ્થાન આપવાનો વિકલ્પ પણ ઉપલબ્ધ છે.

શ્રેણીમાં દબાણ હેઠળ રહેલી ટીમ ઈન્ડિયા માટે આગામી મેચ અત્યંત મહત્વપૂર્ણ છે. હવે સૌની નજર ટીમની પ્લેઈંગ ઈલેવન પર રહેશે. વૈભવ સૂર્યવંશી માટે પણ આગામી મુકાબલો પોતાનું સ્થાન મજબૂત કરવાની મોટી તક બની શકે છે અને એક સારી ઈનિંગથી તે તમામ સવાલોના જવાબ આપી શકે છે.