દિલ્હી એરપોર્ટ પર ગંભીર ચૂક

દિલ્હી એરપોર્ટ પર ઇમિગ્રેશન અને સુરક્ષા પ્રક્રિયાને લઈને ગંભીર બેદરકારી સામે આવી છે. અમૃતસરથી દિલ્હી આવેલા ત્રણ ઈટાલિયન નાગરિકો જરૂરી ઇમિગ્રેશન ક્લિયરન્સ પૂર્ણ કર્યા વિના લુફ્થાન્સાની ફ્લાઈટમાં સવાર થઈને મ્યુનિક પહોંચી ગયા હતા. આ ઘટના 4 સપ્ટેમ્બરની છે અને હવે સમગ્ર મામલે કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે.

અમૃતસરથી મળ્યા બે બોર્ડિંગ પાસ

પ્રાથમિક માહિતી મુજબ ત્રણેય મુસાફરો અમૃતસરથી એર ઈન્ડિયાની AI-1115 ફ્લાઈટમાં દિલ્હી આવ્યા હતા. અમૃતસર એરપોર્ટ પર તેમને દિલ્હી જવા ઉપરાંત મ્યુનિક જતી લુફ્થાન્સા ફ્લાઈટનો પણ બોર્ડિંગ પાસ આપવામાં આવ્યો હતો. જોકે, આ બંને ફ્લાઈટ લાગુ પડતી હબ-એન્ડ-સ્પોક વ્યવસ્થા હેઠળ આવતી ન હોવાથી તેમણે દિલ્હી પહોંચ્યા બાદ ઇમિગ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવાની હતી.

ઇન્ટરનેશનલ ટ્રાન્સફર એરિયામાં પહોંચ્યા

દિલ્હી પહોંચ્યા બાદ ત્રણેય મુસાફરોને જરૂરી ઇમિગ્રેશન તરફ મોકલવાને બદલે ઇન્ટરનેશનલ-ટુ-ઇન્ટરનેશનલ ટ્રાન્સફર એરિયા તરફ દોરી જવાયા હોવાની માહિતી સામે આવી છે. પરિણામે તેઓ ઇમિગ્રેશન કાઉન્ટર સુધી પહોંચ્યા જ નહીં અને બાદમાં લુફ્થાન્સાની LH-763 ફ્લાઈટમાં સવાર થઈ ગયા. આ ફ્લાઈટે 4 સપ્ટેમ્બરે સવારે 1:45 વાગ્યે મ્યુનિક માટે ઉડાન ભરી હતી.

હબ-એન્ડ-સ્પોક મોડલ શું છે?

હબ-એન્ડ-સ્પોક મોડલમાં નાના અથવા પ્રારંભિક એરપોર્ટ પરથી આંતરરાષ્ટ્રીય મુસાફરી કરતા મુસાફરો માટે જરૂરી ઇમિગ્રેશન અને અન્ય પ્રક્રિયા ત્યાં જ પૂર્ણ કરવામાં આવે છે અને ત્યારબાદ મોટા હબ એરપોર્ટ પરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ લેવામાં આવે છે. પરંતુ આ ત્રણ મુસાફરોના કેસમાં આ વ્યવસ્થા લાગુ ન પડતી હોવા છતાં તેમને ઇન્ટરનેશનલ ટ્રાન્સફર રૂટ પર મોકલવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

એર ઈન્ડિયાને શો-કોઝ નોટિસ

આ ગંભીર ચૂક સામે આવ્યા બાદ નાગરિક ઉડ્ડયન મંત્રાલયે 12 સપ્ટેમ્બરે એર ઈન્ડિયાને શો-કોઝ નોટિસ પાઠવી છે અને સાત દિવસમાં જવાબ માંગ્યો છે. દરમિયાન ગૃહ મંત્રાલયે 15 સપ્ટેમ્બરે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે, જેમાં ગૃહ અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયના અધિકારીઓ ઉપરાંત ઇમિગ્રેશન, એર ઈન્ડિયા અને દિલ્હી એરપોર્ટના અધિકારીઓ હાજર રહેવાની અપેક્ષા છે.