રેલવેનો ગ્રીન એનર્જી તરફ મોટો પગલું

ભારતીય રેલવે પર્યાવરણને અનુકૂળ ટેક્નોલોજી અપનાવવાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. હાઈડ્રોજન સંચાલિત ટ્રેનના પ્રયાસો બાદ હવે ઉત્તર મધ્ય રેલવેના પ્રયાગરાજ વિભાગે સોલાર-સહાયિત કોચ વિકસાવ્યો છે. આ કોચની છત પર લગાવવામાં આવેલા સોલાર પેનલ સૂર્યપ્રકાશમાંથી વીજળી ઉત્પન્ન કરશે.

સોલાર કોચ કેવી રીતે કામ કરશે?

આ ખાસ કોચમાં 7 kWp ક્ષમતાના ફોટોવોલ્ટેઇક (PV) સોલાર પેનલ લગાવવામાં આવ્યા છે. સૂર્યપ્રકાશથી ઉત્પન્ન થતી વીજળી કોચની બેટરીમાં સંગ્રહિત થશે અને તેમાંથી લાઇટ, પંખા તેમજ મોબાઇલ ચાર્જિંગ પોઇન્ટને વીજ પુરવઠો મળશે. ખાસ વાત એ છે કે ટ્રેન સ્ટેશન પર ઊભી હોય ત્યારે પણ સોલાર પેનલ વીજળી ઉત્પન્ન કરતા રહેશે.

સામાન્ય કોચથી કેવી રીતે અલગ?

સામાન્ય ટ્રેન કોચમાં વીજળી પૈડાં સાથે જોડાયેલા અલ્ટરનેટરથી બને છે, એટલે ટ્રેન ચાલતી હોય ત્યારે જ વીજ ઉત્પાદન થાય છે. જ્યારે સોલાર કોચમાં છત પરના પેનલ ટ્રેન સ્થિર હોય ત્યારે પણ વીજળી ઉત્પન્ન કરશે, જેથી બેટરી સતત ચાર્જ રહેશે.

મુસાફરોને શું મળશે ફાયદો?

આ ટેક્નોલોજીથી કોચની અંદર લાઇટ અને પંખા વધુ સમય સુધી કાર્યરત રહેશે. મોબાઇલ ચાર્જિંગની સુવિધા પણ વધુ વિશ્વસનીય બનશે. સાથે જ ડીઝલ અને પરંપરાગત વીજળી પરનો આધાર ઘટવાથી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે.

દેશભરમાં થઈ શકે છે વિસ્તરણ

જો આ ટ્રાયલ સફળ રહેશે તો ભવિષ્યમાં ભારતીય રેલવેની વધુ ટ્રેનોમાં સોલાર પેનલવાળા કોચ સામેલ કરવામાં આવી શકે છે. આ પગલું ગ્રીન એનર્જી અને આધુનિક રેલવે તરફનો મહત્વપૂર્ણ પ્રયાસ માનવામાં આવી રહ્યો છે.