24×7 વેપારને મંજૂરી

ગુજરાત વિધાનસભામાં ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ બિલ-2026 બહુમતીથી પસાર થતાં રાજ્યના વેપાર અને ઉદ્યોગ ક્ષેત્ર માટે મહત્વપૂર્ણ ફેરફારનો માર્ગ ખુલ્યો છે. નવા સુધારા હેઠળ દુકાનો અને વેપારી સંસ્થાઓને નિયમો અને શરતોને આધીન રહીને અઠવાડિયાના સાતેય દિવસ 24 કલાક કામગીરી કરવાની સુવિધા મળશે.

પાંચ કાયદામાં 12 જોગવાઈમાં ફેરફાર

સરકારના જણાવ્યા અનુસાર બિલ હેઠળ પાંચ અલગ-અલગ રાજ્ય કાયદાની કુલ 12 જોગવાઈઓમાં સુધારા કરવામાં આવ્યા છે. હેતુ બિનજરૂરી કમ્પ્લાયન્સ ઘટાડવાનો, પ્રક્રિયાઓ સરળ બનાવવાનો અને ઉદ્યોગ-વેપાર માટે વધુ ઝડપી તથા પારદર્શક વ્યવસ્થા ઊભી કરવાનો છે.

દુકાનો સાથે કામદારોના હક્કો પણ યથાવત

ગુજરાત શોપ્સ એન્ડ એસ્ટાબ્લિશમેન્ટ્સ એક્ટમાં ફેરફારથી સ્વ-ઘોષણા અને સ્વ-પ્રમાણીકરણ આધારિત રજિસ્ટ્રેશન પ્રક્રિયા સરળ બનશે. જોકે 24×7 કામગીરીની છૂટનો અર્થ કામદારોને સતત કામ કરાવવાની છૂટ નથી. કામના કલાકો, આરામના અંતરાલ અને રોજગારની શરતો સંબંધિત લાગુ કાયદાઓનું પાલન કરવું પડશે.

MSME માટે ‘રાઇટ ટુ બિઝનેસ’

MSME ક્ષેત્ર માટે પણ મહત્વપૂર્ણ જોગવાઈ કરવામાં આવી છે. ગુજરાત MSME ફેસિલિટેશન એક્ટ, 2019માં સુધારા કરીને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે ‘રાઇટ ટુ બિઝનેસ’ માળખું વધુ મજબૂત બનાવવામાં આવશે. સહકારી, વીજળી, GIDC અને સિંચાઈ સહિતના વધારાના રાજ્ય કાયદાઓને પણ ફેસિલિટેશન ફ્રેમવર્ક સાથે સુસંગત કરવામાં આવ્યા છે.

ફાયર સેફ્ટીમાં જોખમ આધારિત નિયમો

ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી મેઝર્સ એક્ટમાં પણ સુધારો કરવામાં આવ્યો છે. હવે બિલ્ડિંગના પ્રકાર અને સ્થાનિક પરિસ્થિતિ પ્રમાણે જોખમ આધારિત અને કામગીરી આધારિત ફાયર સેફ્ટી અભિગમ અપનાવવાનો પ્રયાસ છે. સરકારનો દાવો છે કે જરૂરી સલામતી જાળવીને બિનજરૂરી કમ્પ્લાયન્સ બોજ ઘટાડી શકાશે.

સરકારી સેવા મોડે મળે તો ઓટો-એસ્કેલેશન

સરકારી સેવાઓમાં વિલંબ અટકાવવા ઓટો-અપીલ અને ઓટો-એસ્કેલેશન મિકેનિઝમ પણ લાવવામાં આવશે. નિર્ધારિત સમયમર્યાદામાં સેવા કે ફરિયાદનો નિકાલ ન થાય તો મામલો આપમેળે ઉચ્ચ અધિકારી સુધી પહોંચે તેવી ટેક્નોલોજી આધારિત વ્યવસ્થા કરવાનો હેતુ છે.

અન્ય રાજ્યના ડોક્ટરો માટે નોંધણી સરળ

ગુજરાત મેડિકલ કાઉન્સિલ એક્ટમાં સુધારા બાદ અન્ય રાજ્યમાં નોંધાયેલા તબીબો માટે ગુજરાતમાં નોંધણીની પ્રક્રિયા સરળ બનાવવામાં આવશે. સરકારના જણાવ્યા પ્રમાણે આથી તબીબી સેવાઓમાં પ્રોફેશનલ મોબિલિટી વધારવામાં મદદ મળશે.

વેપાર માટે ‘ટ્રસ્ટ-બેઝ્ડ ગવર્નન્સ’

સરકારનો મુખ્ય ભાર સ્વ-ઘોષણા, સ્વ-પ્રમાણીકરણ, જોખમ આધારિત વ્યવસ્થા અને ટેક્નોલોજી આધારિત વહીવટ પર છે. ઓછા જોખમવાળી પ્રવૃત્તિઓમાં બિનજરૂરી પૂર્વ મંજૂરી અને ભૌતિક સંપર્ક ઘટાડીને પ્રક્રિયાઓ ઝડપી બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.