ગુજરાતમાં બાળલગ્નની હકીકત ચિંતાજનક, સાંસદે વ્યક્ત કરી ગંભીર ચિંતા
ટીબી મુક્ત ભારત' અભિયાન દરમિયાન ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે સમાજમાં હજુ પણ ચાલતી બાળલગ્નની પ્રથાને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે જૂની માન્યતાઓ અને સામાજિક પરંપરાઓના કારણે કેટલીક જગ્યાએ હજુ પણ દીકરા-દીકરીના વહેલા લગ્ન થઈ રહ્યા છે. તેના કારણે કિશોરી વયે માતા બનવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જે આરોગ્ય અને સામાજિક બંને દૃષ્ટિએ ચિંતાજનક છે.
સરકારી સર્વેમાં સામે આવ્યા કિશોરી માતૃત્વના ચોંકાવનારા આંકડા
સાંસદે જણાવ્યું કે પ્રાંત અધિકારી દ્વારા PHC અને CHCના આધારે કરાયેલા સર્વેમાં મહેમદાવાદ તાલુકાના કેટલાક ગામોમાં 17 વર્ષની ઉંમરે 18 સગર્ભા કિશોરીઓ નોંધાઈ છે. ઉપરાંત, 18 વર્ષની ઉંમર પૂર્ણ થાય તે પહેલાં જ 48 યુવતીઓ માતા બની ચૂકી હોવાનું સામે આવ્યું છે. તેમના કહેવા મુજબ આ આંકડા બાળલગ્નની વાસ્તવિક સ્થિતિ તરફ સ્પષ્ટ સંકેત આપે છે.
બાળલગ્નથી શિક્ષણ અને આરોગ્ય બંને પર પડે છે ગંભીર અસર
દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે બાળલગ્ન માત્ર કાયદાનો ભંગ નથી, પરંતુ તે બાળકીના શિક્ષણ, આરોગ્ય અને ભવિષ્યને સીધી અસર કરે છે. ઓછી ઉંમરે ગર્ભધારણ કરવાથી માતા તેમજ નવજાત બાળકના સ્વાસ્થ્ય પર જોખમ વધે છે. તેથી કાયદાના કડક અમલ સાથે સમાજમાં જાગૃતિ લાવવી પણ એટલી જ જરૂરી છે.
'જનપ્રતિનિધિ તરીકે અમે પણ જવાબદારી નિભાવી શક્યા નથી'
સાંસદે પોતાના નિવેદનમાં સ્વીકાર્યું કે બાળલગ્ન રોકવામાં માત્ર સંબંધિત વિભાગો જ નહીં પરંતુ જનપ્રતિનિધિઓ પણ ક્યાંક જવાબદારી નિભાવવામાં પાછળ રહ્યા છે. તેમણે જણાવ્યું કે આશરે 50 જેટલા બાળલગ્નના કિસ્સાઓ સામે આવ્યા છે. જોકે રાહતની બાબત એ છે કે નોંધાયેલા તમામ પ્રસૂતિ કેસો હોસ્પિટલોમાં થયા હોવાથી માતા અને બાળકને સમયસર આરોગ્ય સેવાઓ મળી શકી છે. અંતે તેમણે સમાજને બાળલગ્ન જેવી કુપ્રથાને સંપૂર્ણપણે દૂર કરવા અને કિશોરીઓના શિક્ષણ તથા સશક્તિકરણને પ્રાથમિકતા આપવા અપીલ કરી.

